હવામાન:રાજ્યમાં સરેરાશની તુલનામાં તાપમાનમાં મોટો વધારો થયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરસાદ પડતો હોવા છતાં સપ્ટેમ્બરમાં જ ઓકટોબર હિટનો અનુભવ

મુંબઈમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ઉકળાટના લીધે અત્યારે જ ઓકટોબર હિટનો અનુભવ થઈ રહ્યો છે. ગણેશોત્સવના સમયમાં વરસાદ પડતા રાહત મળી છે છતાં ઉકળાટથી નાગરિકો પરેશાન છે. મુંબઈ સહિત રાજ્યમાં સરેરાશ ગુરુતમ તાપમાનમાં મોટો ફરક જોવા મળે છે. આ પરિસ્થિતિ આગામી અઠવાડિયાના અંત સુધી એટલે કે છ દિવસ સુધી યથાવત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. રાજ્યમાં અત્યારે પૂર્વથી આવતા પવનની અસર વધુ છે.

આ પવનના કારણે તાપમાનમાં વધારો અને વાતાવરણમાં ઉકળાટ અનુભવવા મળતી હોવાનું પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારી સુષમા નાયરે જણાવ્યું હતું. ચોમાસા પહેલાંના સમયમાં અનુભવાતો ઉકળાટ અને ભેજ અત્યારે મુંબઈમાં અનુભવવા મળે છે. અત્યારે મોનસૂનના વાયરા નબળા પડ્યા છે.

મોનસૂનના પવન પશ્ચિમ તરફથી આવી રહ્યા છે. પૂર્વથી આવતા પવનનો ચોમાસાના વાદળોના નિર્માણ માટે ઉપયોગ થતો નથી. અરબી સમુદ્રમાં પણ અત્યારે પશ્ચિમથી વહેતા પવન નબળા છે. ચોમાસાના પવન નબળા હોય છે ત્યારે તાપમાનમાં વધારો દેખાય છે એમ નાયરે સ્પષ્ટ કર્યું હતું. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી આ સ્થિતિ રહે એવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ
મધ્ય મહારાષ્ટ્રમાં જલગાવ ખાતે ગુરુતમ તાપમાનનો પારો 36.7 ડિગ્રી નોંધાયો જે સરેરાશ કરતા 5 ડિગ્રી વધારે છે. પુણે ખાતે ગુરુતમ તાપમાન સરેરાશ કરતા 5.9 ડિગ્રી અને સાતારામાં 5.1 ડિગ્રી નોંધાયું છે. સોલાપુરમાં તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું.

મરાઠવાડાના પરભણી ખાતે સરેરાશ કરતા ગુરુતમ તાપમાન 5 ડિગ્રી વધુ થતા 36 ડિગ્રી નોંધાયું તો ઔરંગાબાદ ખાતે સરેરાશ તાપમાન કરતા 3.8 ડિગ્રી અને નાંદેડ ખાતે 3 ડિગ્રી વધારે નોંધાયું. વિદર્ભમાં મોટા ભાગમાં ગુરુતમ તાપમાન સરેરાશ કરતા 4 ડિગ્રી વધુ નોંધાયું. અકોલા, ચંદ્રપુર ખાતે તાપમાન 36 ડિગ્રી નોંધાયું. ચંદ્રપુર, વર્ધા, યવતમાળ ખાતે સરેરાશ કરતા અનુક્રમે 5.2, 5.3 અને 5.4 ડિગ્રી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...