મુંબઈ મુલાકાત દરમિયાન રાષ્ટ્રગીતનો અનાદર કરવા માટે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી સામે ફોજદારી કેસ ચલાવવા માટે કોઈ મંજૂરીની આવશ્યકતા નથી, કારણ કે આ ઘટના તેમની વિધિસર મુલાકાત દરમિયાન નહીં પણ રાજકીય મુલાકાત દરમિયાન બની હતી, એવી દલીલ મંગળવારે ફરિયાદ પક્ષે કોર્ટમાં કરી હતી.
આ કેસ સંબંધમાં સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મમતા વિરુદ્ધ જારી કરાયેલા સમન્સ સામે મમતાએ નોંધાવેલી સમીક્ષા અરજી પર સાંસદો અને વિધાનસભ્યો સામેના કેસ ચલાવતી વિશેષ કોર્ટ સુનાવણી કરી રહી છે. મુંબઈ ભાજપના પદાધિકારી વિવેકાનંદ ગુપ્તા દ્વારા ગયા વર્ષે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં એવો આરોપ કરવામાં આવ્યો હતો કે ડિસેમ્બર 2021માં મમતા મુંબઈની મુલાકાતે આવ્યાં ત્યારે એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે મમતા ઊભાં થયાં નહોતાં.
આથી રાષ્ટ્રીય સન્માન અનાદર પ્રતિબંધ ધારા હેઠળ તેમની સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દાખલ કરવામાં આવવી જોઈએ, એવી માગણી અરજીમાં કરવામાં આવી હતી. તૃણમુલ કોંગ્રેસનાં નેતા મમતાએ મેજિસ્ટ્રેટ દ્વારા જારી સમન્સ સામે વિશેષ કોર્ટ સમક્ષ સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દલીલ કરી છે કે આ કેસમાં સરકારી નોકર સામે કાનૂની કાર્યવાહી ચલાવવા માટે જોઈતી ફરજિયાત મંજૂરી લેવાઈ નથી.
રાજ્ય સરકાર વતી પ્રતિનિધિત્વ કરતાં વધારાના સરકારી વકીલ સુમેશ પંજવાનીએ દલીલ કરી કે મમતાની મુંબઈમાં તે વિધિસર મુલાકાત નહોતી. તેઓ રાજકીય એજન્ડા સાથે મુંબઈમાં આવ્યાં હતાં. આથી આ કેસમાં કાર્યવાહી માટે મંજૂરી લેવાની આવશ્યકતા નથી. વિશેષ જજ આર એન રોકડેએ જણાવ્યું કે તેઓ આ મામલે 12મી જાન્યુઆરીના રોજ આદેશ આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.