ધરપકડ:પ્રવેશ નકારાતાં મલાડમાં યુવાને બસની તોડફોડ કરી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસમાં ગિરદી હોવાથી તેને પ્રવેશ અપાયો નહોતો

મલાડમાં સવારના ગિરદીના સમયે બસ ભરેલી હોવાથી પ્રવેશ નહીં અપાતાં એક યુવાને બસની ભાંગફોડ કરી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને મેરવિલ એન્થની રિબેરો (26 વર્ષ) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો.

ગુરુવારે સવારે ગિરદીના સમયે મીઠ પોલીસ ચોકી વિસ્તાર ખાતે આ ઘટના બની હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ ગયો હતો. મેરવિલ બસ સ્ટોપ પર ઊભો હતો. બેસ્ટની બસ આવતાં તે ચઢવા જતો હતો, પરંતુ ગિરદી હોવાથી કંડક્ટરે તેને રોક્યો હતો, એમ બાંગુરનગર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું. આથી મેરવિલ ગુસ્સે ભરાયો હતો અને બસની સામે ઊભો રહી ગયો હતો. તેણે ડ્રાઈવરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આ પછી રસ્તા પરથી ઈંટ ઉપાડી હતી અને બસના વિંડસ્ક્રીન પર ઝીંકી હતી, જેને લઈ કાચ ફૂટી ગયો હતો.

આ સમયે બસમાંના જ એક પ્રવાસીઓ વિડિયો ઉતારી લીધો હતો, જે પછી સોશિયલ મિડિયા પર મૂકતાં વાઈરલ થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.આરોપીને વિસ્તારના જ અમુક સ્થાનિકોએ પકડી પાડ્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કરાયો હતો.

બસ ડ્રાઈવર શંકર ભીમા મોરેની ફરિયાદને આધારે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 353 (સરકારી નોકર પર હુમલો અથવા ફોજદારી બળ) અને અન્ય સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ સિનિયર પીઆઈ પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...