અગ્નિશમન દળની કામગીરી:વોચમેને યુવતીને 20મા માળેથી ફેંકી,18મા માળે અટકી જતાં બચી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18મા માળે બારીની છત પર પડેલી યુવતીને અગ્નિશમને બચાવી લીધી

મલાડમાં ઈમારતના વોચમેને યુવતીને 20મા માળથી નીચે ફેંકી હતી, પરંતુ આ યુવતીનું નસીબ એટલું સારું કે 18મા માળે ઘરની બારીની છત પર તે પડી હતી. આ પછી ઈમારતના રહેવાસીઓએ પોલીસ અને અગ્નિશમન દળને જાણ કરી હતી, જેને લઈ યુવતીને બચાવવામાં સફળતા મળી છે. આ ઘટના પછી ફરાર થયેલા વોચમેનનની પોલીસે ધરપકડ કરી છે.

26 વર્ષીય યુવતી મલાડ પશ્ચિમમાં બ્લુ હોરાઈઝનમાં કામ કરે છે. 28 જુલાઈના રોજ સવારે 9.45 વાગ્યે યુવતી તેનું કામ પૂરું કરીને ઘરે જતી હતી. તે સમયે તેને માર્ગમાં ઈમારતનો વોચમેન અર્જુન સિંહ મળ્યો હતો. 20મા માળ પર એક મહિલા રહેવા માટે આવી છે. તેને ઘરનોકરાણીની જરૂર છે એમ કહીને અર્જુન યુવતીને ઉપર લઈ ગયો હતો.

કામ મળશે એવું ધારીને તે 20મા માળે ગઈ. ઘરમાલિકણે તેને અડધા કલાક પછી આવવા કહ્યું. આ પછી યુવતી અગાશી પર પહોંચી. તે સમયે અર્જુન પાછળથી આવ્યો. અચાનક ગળું પકડી લીધું અને નીચે ફેંકી દીધી. સદનસીબે તે 18મા માળે બારીની છત પર અટકી પડી.ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને અગ્નિશમન દળે પહોંચીને બારીમાંથી યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢી.

તેના ગળા પર, માથામાં અને હાથમાં ઈજા પહોંચી છે. તેને ઉપચાર માટે શતાબ્દિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અર્જુન વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.યુવતી સાથે સંબંધ હતા. તે પરથી યુવતી બ્લેકમેઈલ કરતી હતી. આથી કંટાળીને તેનો કાંટો કાઢવાનો વિચાર કર્યો હતો. આથી જ તેને અગાશી પરથી ધક્કે ચઢાવી હોવાનું અર્જુને પોલીસે જણાવ્યું હતું. જોકે યુવતીએ આરોપી સાથે તેને કોઈ સંબંધ નહોતો એમ સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...