મહેસૂલમાં નોંધપાત્ર વધારો:વિસ્ટાડોમ કોચને પ્રવાસીઓના તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ-પુણે અને મુંબઈ-કોકણ માર્ગ પર રેલવે મહેસૂલમાં નોંધપાત્ર વધારો

મુંબઈ-પુણે માર્ગ સહિત કોકણ માર્ગ પરની ટ્રેનના વિસ્ટાડોમ કોચને પ્રવાસીઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એપ્રિલથી જૂન 2022ના સમયગાળામાં વિસ્ટાડોમ કોચને 100 ટકા પ્રતિસાદ મળ્યો છે. એના લીધે મધ્ય રેલવેને સારું મહેસૂલ મળ્યું છે. જુલાઈ મહિનામાં પણ સ્ટાડોમ કોચને મળતો પ્રતિસાદ જોરદાર છે.

25 જુલાઈથી શરૂ કરવામાં આવેલી પ્રગતિ એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચને પુણેથી 93 ટકા પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી મધ્ય રેલવેએ આપી હતી. મુંબઈથી પુણે દોડતી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન અને મુંબઈથી મડગાવ જનશતાબ્દી એક્સપ્રેસને વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. એક ડબ્બાની પ્રવાસી ક્ષમતા 40 છે.

કાચની છતવાળા આ ડબ્બાને છેલ્લા ત્રણચાર વર્ષથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પહોળી બારી, એલઈડી લાઈટ્સ, ઉતમ સીટીંગ વ્યવસ્થા, જીપીએસ સિસ્ટમ, એલઈડી સ્ક્રિન, દિવ્યાંગ માટે પહોળા સરકતા દરવાજા જેવી અનેક સુવિધા આ ડબ્બામાં છે. એપ્રિલથી જૂન 2022ના સમયગાળામાં ડેક્કન એક્સપ્રેસને 90 થી 100 ટકા, ડેક્કન ક્વિનને 99 થી 100 ટકા અને જનશતાબ્દી એક્સપ્રેસને 97 થી 107 ટકા પ્રતિસાદ મળ્યાની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આપી હતી.

સૌથી વધુ પ્રતિસાદ જૂન મહિનામાં મળ્યો છે. જુલાઈમાં પણ સારો પ્રતિસાદ છે. કોરોનાના સમયમાં બંધ પ્રગતિ એક્સપ્રેસ મધ્ય રેલવેએ મુંબઈ-પુણે રૂટ પર 25 જુલાઈથી શરૂ કરી. આ ટ્રેનને વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. સોમવારે પુણેથી મુંબઈ આવતી ટ્રેનના વિસ્ટાડોમ કોચની 44માંથી 41 સીટ રિઝર્વ્ડ હતી.

કેટલું મહેસૂલ મળ્યું?
વિસ્ટાડોમ કોચને કારણે મધ્ય રેલવેને સારા પ્રમાણમાં મહેસૂલ મળ્યું છે. જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચને લીધે 1 કરોડ 71 લાખ 72 હજાર 106 રૂપિયા, ડેક્કન ક્વિન એક્સપ્રેસ 68 લાખ 75 હજાર 763 રૂપિયા અને ડેક્કન એક્સપ્રેસને 62 લાખ 51 હજાર 415 રૂપિયા આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...