સમય વેડફાતો બચશે:મુંબઈમાં સૌથી ઉંચો રેલવે ફ્લાયઓવર બની રહ્યો છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પુલ MTHL અને વરલી-શિવરી માર્ગને જોડવાનું મહત્વનું કામ કરશે

ટ્રાફિક જામ અને રસ્તા પર ખાડાઓને કારણે અત્યારે રસ્તા માર્ગે પ્રવાસ કરવામાં સમય વેડફાય છે. થોડા કિલોમીટરનું અંતર પાર કરવા કલાકોના કલાક અટવાઈ રહેવું પડે છે એવો મુંબઈગરાઓને જૂનો અનુભવ છે. આવી સ્થિતિમાં પ્રવાસના સમયમાં બચત કરવા મુંબઈ રેલવે પર સૌથી મોટા રેલવે ફ્લાયઓવર અર્થાત શિવરી રેલવે પુલનું કામ મહારાષ્ટ્ર રેલવે ઈન્ફ્રાસ્ટકચર ડેવલપમેંટ કોર્પોરેશને (મહારેલે) શરૂ કર્યું છે.

મુંબઈ શિવરી-ન્હાવાશેવા સીલિન્ક અને વરલી-શિવરી માર્ગ પર આ અત્યંત મહત્વનો પુલ છે. રેલવે પાટાથી સૌથી વધુ 22 મીટર ઉંચાઈએ બાંધવામાં આવતા આ પુલનું કામ ઓગસ્ટ 2023માં પૂરું થશે એવો દાવો મધ્ય રેલવેએ કર્યો છે. શિવરી-ન્હાવાશેવા સીલિન્ક પ્રકલ્પના ફ્રી વે તરફ જતો લિન્ક રોડ આ પુલની નીચેથી જશે. આ સીલિન્કનું કામ ઝડપથી પૂરું થઈ રહ્યું છે. એના માટે લિન્ક રોડનું કામ થવા માટે શિવરી રેલવે ફ્લાયઓવર ઊભો થવો ઘણું જરૂરી છે.

શિવરી-ન્હાવાશેવા સીલિન્ક અને વરલી-શિવરી માર્ગને જોડવાનું કામ આ પુલ કરશે. નવી મુંબઈ ખાતેથી પશ્ચિમના ઉપનગરોમાં જતા પ્રવાસીઓનો અડધો કલાક આ પુલના લીધે બચશે. પુલ માટે જરૂરી ગર્ડર ઊભા કરવાનું કામ લગભગ પૂરું થવામાં છે. પુલ ઊભો કરતા વિવિધ બાંધકામ અને કેબલ હટાવવાનું કામ મહારેલ તરફથી સફળતાપૂર્વક પૂરું થયું છે.

પુલના થાંભલા ઊભા કરવા માટે પાયો ખોદવાનું કામ ચાલુ છે. સ્ટીલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવનાર હોવાથી એના માટે જરૂરી ગર્ડર ફેબ્રિકેશનનું કામ છેલ્લા તબક્કામાં છે. એમએમઆરડીએ તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગ અને મુખ્યાલય તરફથી આગામી બે અઠવાડિયામાં મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.

આવો હશે ફ્લાયઓવર
આવવા-જવા માટે કુલ ચાર લેન હશે. પુલની લંબાઈ 82 મીટર, પહોળાઈ 18.05 મીટર અને ઉંચાઈ 22 મીટર હશે. આ પુલ માટે કુલ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કામ પૂરું થવા માટે 15 મહિના લાગશે.

અન્ય સમાચારો પણ છે...