માગ:જીએસટીનું સંપૂર્ણ વળતર મળી જતાં રાજ્યને પેટ્રોલ-ડીઝલનો ટેક્સ 50% ઘટાડવા માગણી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીએસટી રિફંડનાં કારણો આપીને આંકડાઓની માયાજાળ રચી નાગરિકોને છેતરવાને બદલે વાયદો પૂરો કરોઃ ભાજપ

ઠાકરે સરકાર જીએસટી વળતરને લઈને સતત કેન્દ્ર સરકાર સામે આંગળી ચીંધીને લોકોને ગેરમાર્ગે દોરતી રહી છે. હવે કેન્દ્ર તરફથી મે મહિના સુધીનું સંપૂર્ણ જીએસટી વળતર મળી ગયું છે ત્યારે આંકડાઓની માયાજાળ રચ્યા વિના હવે પેટ્રોલ અને ડીઝલમાં 50 ટકાનો રાજ્યનો ટેક્સ ઘટાડીને લોકોને આપેલું વચન પૂર્ણ કરો. આ મુજબની માગ બુધવારે ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ કરી હતી. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયપ્રકાશ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યા બાદ મહારાષ્ટ્ર પણ લોકોને રાહત આપશે તેવી અપેક્ષા હતી, પરંતુ ખોટા આંકડાઓની રમત રમીને લોકોને ગેરમાર્ગે દોરતી ઠાકરે સરકારે રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તે સમયે સરકારે જીએસટીની બાકી રકમના ખોટાં કારણો દર્શાવીને ટેક્સ કાપ ટાળ્યો હતો. મહારાષ્ટ્રને હવે મેના અંત સુધી જીએસટી રિફંડની સંપૂર્ણ રકમ મળી ગઈ છે. આથી જીએસટી રિફંડના કારણો આપીને લોકોને છેતરવાને બદલે વાયદો પૂરો કરવો જોઈએ.

અગાઉ ક્યારેય બંધબારણે ન થયેલી ચર્ચાને વિષય બનાવીને અને તેના પિતાને આપેલા વચનની કાગારોળ કરીને મહારાષ્ટ્રની જનતા સાથે વિશ્વાસઘાત કરીને સત્તામાં આવેલી ઠાકરે સરકાર હવે લોકોની અપેક્ષાઓને અવગણવી જોઈએ નહીં, એમ પણ તેમણે કહ્યું હતું. કેન્દ્ર સરકારે 31 મે, 2022ના દિવસે જીએસટી ચુકવણીની સંપૂર્ણ રકમ જાહેર કરી. આ દ્વારા મહારાષ્ટ્રને વળતર રૂપે ૧૪૧૪૫ કરોડ રૂપિયા મળ્યા છે.

તેમ છતાં, 12,000 કરોડ રૂપિયાનો બાકી હોવાની કાગારોળ કરીને લોકો સાથે છેતરપિંડી કરતી ઠાકરે સરકાર પેટ્રોલ અને ડીઝલ પર કર કપાત કરવાનું ટાળી રહી છે, એવો આક્ષેપ ઉપાધ્યેએ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે રાજ્યને મેના અંત સુધી ચૂકવણીની સંપૂર્ણ રકમ મળી ગઈ છે, ત્યારે ઠાકરે સરકાર ખોટા અને ભ્રામક આંકડા આપીને નાણાકીય વ્યવસ્થાપનમાં અચોક્કસતાનો પુરાવો આપી રહી છે.

નિધિ ફંડમાં ફક્ત રૂ. 25,000 કરોડ
કેન્દ્ર સરકારના જીએસટી ભરપાઈ નિધિ ફંડમાં માત્ર રૂ. 25,000 કરોડ ઉપલબ્ધ હોવાથી, કેન્દ્રએ તમામ રાજ્યોને તેમના સંસાધનોનું સંચાલન કરવા અને નાણાકીય વર્ષમાં તેમના મૂડી ખર્ચનું સફળતાપૂર્વક આયોજન કરવા સક્ષમ બનાવવા માટે જીએસટી વળતરની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે.

કેન્દ્ર સરકાર તેના પોતાના સંસાધનોમાંથી સેસ કલેક્શનની બાકી રકમ પણ બહાર પાડી રહી છે. 31 મેના રોજ રિલીઝ કરાયેલા રૂ. 86,912 કરોડ સાથે, રાજ્યોને મે ૨૦૨૨ સુધી સંપૂર્ણ વળતર મળ્યું છે અને હવે માત્ર જૂન 2022ની ભરપાઈ ચૂકવવાપાત્ર રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. તેથી, સરકારે જીએસટી રિફંડની માંગણી કર્યા વિના રાજ્યને નાણાકીય અયોગ્યતાના પાતાળમાં ધકેલવાનું બંધ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...