નારાજી:શિંદે જૂથની પણ રાજ્યપાલ કોશ્યારી અને ત્રિવેદીની ટીકા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર છત્રપતિનું અપમાન કરશો તો બે પક્ષમાં સંબંધ બગડશે

રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરતાં હવે શિંદે જૂથમાં પણ નારાજી શરૂ થઈ છે. શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે પણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી પર હુમલો કર્યો છે. છત્રપતિનું વારંવાર અપમાન થતું હોય તો સારું નહીં કહેવાય. અન્યથા એક દિવસ બંને પક્ષવચ્ચે સંબંધ બગડશે અને તેને લીધે બંનેને ભોગવવું પડશે, એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.

શિવછત્રપતિનો ઈતિહાસ ક્યારેય જૂનો નહીં થાય. તેમની તુલના દુનિયાના કોઈ પણ મહાપુરુષ સાથે નહીં કરી શકાય. રાજ્યપાલ સતત શિવરાયનો ઉલ્લેખ શિવાજી તરીકે કરે છે. તેમણે આ પૂર્વે પણ અનેક વાર છત્રપતિ વિશે ટિપ્પણી કરી હતી. ભાજપના કેન્દ્રીય મંત્રીને વિનંતી છે કે રાજ્યના ઈતિહાસ વિશે માહિતી નથી તેવી વ્યક્તિને રાજ્યપાલની ખુરશી પર રાખવાનો કોઈ અર્થ નથી. મરાઠી માટીના માણસને જ આ પદ પર બેસાડવો જોઈએ. આથી રાજ્યપાલને જ્યાં પણ લઈ જઈને મૂકવા હોય ત્યાં મૂકો.

ત્રિવેદીની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે શિવાજી મહારાજ હતા તેથી મહારાષ્ટ્ર છે. રાજ્યાલે, ભાજપના લોકોએ વિચાર કરીને છત્રપતિ વિશે બોલવું જોઈએ. આ રીતે અપમાન અમે સહન નહીં કરીએ.

રાજ્યપાલ શું બોલ્યા હતા?
ઔરંગાબાદમાં ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા વિદ્યાપીઠના 62મા દીક્ષાંત સમારંભમાં કોશ્યારીએ કહ્યું અમે શાળામાં હતા ત્યારે અમને શિક્ષક પૂછતા હતા કે તમારા મનગમતા હીરો કોણ છે. તેની પર કોઈને સુભાષચંદ્ર બોસ, કોઈ મહાત્મા ગાંધીજી તો કોઈને પંડિત જવાહરલાલ નેહરુ ગમતા હોવાનું જણાવતા. આથી મને એવું લાગે છે કે તમને જો કોઈ પૂછે કે તમારા મનગમતા હીરો કોણ છે તો તમારી તે શોધવા બહાર જવાની જરૂર નથી, કારણ કે તમને મહારાષ્ટ્રમાં જ તે મળશે. શિવાજી મહારાજ તો જૂના યુગની વાત છે, હું નવા યુગની વાત કરી રહ્યો છું. ડો. આંબેડકરથી ડો. નીતિન ગડકરી સુધી તમને અહીં જ મળી રહેશે, એમ કોશ્યારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...