રાજ્યમાં શિંદે- ફડણવીસ સરકાર વેન્ટિલેટર પર છે. તેમાં ઊભી તિરાડ પડી છે. આ સરકાર ફેબ્રુઆરી પણ જોશે નહીં એવો દાવો શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યો છે. ઉપરાંત રાજ્યપાલ ટૂંક સમયમાં જ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું. રાઉત શનિવારે નાશિકમાં બોલતા હતા.
રાજકારણ પરિવર્તનની દિશામાં જઈ રહ્યું છે. રાજ્ય બંધારણ અને સંવિધાન અનુસાર સુપ્રીમ કોર્ટ 16 વિધાનસભ્યોની અપાત્રતા બાબતે નિર્ણય લેશે તો 2024 પૂર્વે પરિવર્તન આવશે. ડેમેજ કંટ્રોલ માટે પહેલા ડેમેજ થવું પડેછે. અમુક લોકો છોડી ગયા તેથી અમને કોઈ ફરક પડતો નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.શિવસેના એક જ છે. એક જ રહેશે. જૂથબૂથ તો હંગામી છે. બાળાસાહેબે શિવસેના નામના વટવૃક્ષનું બીજ વાવ્યું હતું. તે શિવસેનાનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. તેમને આખા મહારાષ્ટ્રના આશીર્વાદ છે.
શિવસેના મહાવૃક્ષ છે. મહાવૃક્ષના પાંદડાંઓ ખરે છે. તે લોકો ઊંચકીને લઈ જાય છે. આ પાંદડાં બાળીને તેનો ઉપયોગ તાપણા માટે કરવામાં આવે છે, એમ તેમણે બળવાખોરો પર નિશાન સાધતાં જણાવ્યું હતું. રાજ્ય વિધાનમંડળના નાગપુર ખાતેના શિયાળુ સત્રમાં અનેક પ્રકરણ બહાર આવ્યાં.
છ મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્ય. પુરાવા મળવા છતાં એકેય પર કાર્યવાહી કરાઈ નહીં જોકે ગેંડાની ચામડીની હોય તે રીતે સરકારે તે તરફ દુર્લક્ષ કર્યું. પાણીમાં બેઠેલી ભેંસની જેમ જાણે કશું જ બન્યું નથી એવા ભાસમાં સરકાર છે. જોકે ટીકા ફક્ત વિરોધી પક્ષ પર થઈ. આંદોલન કરનારી પેઢી બદલાઈ પણ આંદોલન ચાલુ જ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
રાઉતે મને કહ્યું તે ઠાકરેને કહીશ તો તેમને ચંપલથી મારશે - રાણે
શિવસેનાને ખતમ કરવાની સોપારી સંજય રાઉતે લીધી છે. હમણાંના રાજકારણમાં સંજય રાઉત જોકર છે, એમ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું. આ પછી બંને બાજુથી વિધાનોને લઈને રાણે- રાઉત વચ્ચે બરાબરની જામી ગઈ છે.
રાઉતે મને એક વખત જે કહ્યું તે ઠાકરેને કહીશ તો ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે તેમને ચંપલથી મારશે, એવું રાણેએ જણાવ્યું હતું. આ સામે રાઉતે કહ્યું કે હું આવા લોકોનું મોઢું પણ જોતો નથી. વાત કરવાની બાબત તો દૂર જ રહી.દરમિયાન તું જ્યાં બોલાવશે ત્યાં હું આવવા માટે તૈયાર છું, એમ કહીને રાઉતનું ચેલેન્જ રાણેએ સ્વીકાર્યું છે.
રાઉતને હું ફરીથી જેલમાં મોકલીશ, એમ પણ રાણેએ જણાવ્યું હતું. આ પછી રાઉતે તીખા શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે મારું નામ લેશો નહીં. રાજવસ્ત્ર ઉતારીને આવો, જે પછી રાણેએ ફરીથી રાઉતની ટીકા કરી છે.રાણેનું કેન્દ્રીય મંત્રીપદ જોખમમાં છે. આથી તેઓ બકવાટ કરી રહ્યા છે.
શિંદે જૂથના સાંસદોને મંત્રીપદ જોઈતું હોવાથી અને રાણેની કામગીરી સારી નહીં હોવાથી તેમનું પદ જશે. હિંમત હોય તો રાણેએ સામસામે આવીને બતાવવું જોઈએ. ઉદ્ધવ ઠાકરે અને રાણેની મારા નિમિત્તે મુલાકાત થતી હોય તો મને આનંદ થશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.