ભાસ્કર વિશેષ:ખારકોપર-ઉરણ ઉપનગરીય રેલવે માર્ગનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2023થી શરૂ કરવામાં આવશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે નેરુલથી ઉરણના બીજા તબક્કાનું 85 ટકા કામ પૂરું થયું

નેરુલ-બેલાપુર-ઉરણ ઉપનગરીય રેલવે માર્ગના કામને ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ માર્ગ પરના પ્રવાસીઓને નવા વર્ષથી રાહત મળશે. આ ઉપનગરીય માર્ગમાં ખારકોપર-ઉરણનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2023થી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવે તરફથી આપવામાં આવી હતી. આ તબક્કાનું 85 ટકા કામ પૂરું થયું છે.

નેરુલ-બેલાપુર-ખારકોપરથી ઉરણ રેલવે પ્રકલ્પ અનેક વર્ષોથી રખડી પડ્યો છે. કુલ 27 કિલોમીટર લાંબા રૂટ પર એમાં નેરુલથી બેલાપુર, ખારકોપર પ્રથમ તબક્કો નવેમ્બર 2018ના પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યારે આ લોકલથી પ્રવાસ માટે 20 મિનિટ લાગે છે. નેરુલ-ઉરણ સંપૂર્ણ પ્રકલ્પ ભૂસંપાદન સહિત અનેક અડચણના લીધે રખડી પડ્યો હતો. પહેલો તબક્કો પૂરો થયા પછી એમાં ખારકોપરથી ઉરણ બીજો તબક્કો પૂરો થવા માટે અડચણોનો સામનો કરવો પડ્યો હતો.

બીજો તબક્કો સપ્ટેમ્બર 2022 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ મધ્ય રેલવેએ રાખ્યો હતો. જો કે એમાં પણ વિલંબ થવાથી 500 કરોડ રૂપિયાવાળો આ પ્રકલ્પ 1 હજાર 700 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. બીજા તબક્કાના કામને ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને 85 ટકા કામ પૂરું થયાની માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આપી હતી. અત્યારે આ રૂટ પર છૂટક કામ થઈ રહ્યા છે જે જાન્યુઆરી 2023 સુધી પૂરા કરવામાં આવશે.

એ પછી લગભગ ફેબ્રુઆરી 2023થી ખારકોપરથી ઉરણ માર્ગ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. એના લીધે નેરુલથી ઉરણ સંપૂર્ણ રૂટ જ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે. આ કામ માટે સિડકો તરફથી 67 ટકા અને રેલવે તરફથી 33 ટકા ભંડોળ મળ્યું છે.

બીજા તબક્કાનું શું છે?
ખારકોપરથી ઉરણ ઉપનગરીય માર્ગમાં 5 નવા સ્ટેશન આવશે. એમાં ગવ્હાણ, રાંજણપાડા, ન્હાવાશેવા, દ્રોણાગિરી અને ઉરણ સ્ટેશનનો સમાવેશ છે. પ્રકલ્પ પૂરો થતા નેરુલથી ઉરણના નાગરિકો સાથે જ બીજા પ્રવાસીઓને પણ એનો ઘણો ફાયદો થશે. જેએનપીટી અને ભવિષ્યમાં શરૂ થનારું નવું એરપોર્ટ પણ જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...