મુંબઈમાં અઢી વર્ષ પૂર્વે થયેલી અતિવૃષ્ટિના સમયે મહાપાલિકાના ડી વોર્ડનો બી જી ખેર માર્ગ પરનો રસ્તો સંપૂર્ણ ઊખડી ગયો હતો. અઢી વર્ષ વીતી જવા છતાં હજુ રસ્તાનું દુરસ્તીનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. આને કારણે વિસ્તારમાં થતા ટ્રાફિકજામથી સ્થાનિકો અને વાહનચાલકો પણ પરેશાન છે.
દક્ષિણ મુંબઈમાં હેન્ગિંગ ગાર્ડનથી સ્પેનટા બિલ્ડિંગથી કેમ્પ્સ કોર્નર સિગ્નલ સુધીનો રસ્તો અઢી વર્ષ પૂર્વે અતિવૃષ્ટિમાં ધોવાઈ ગયો હતો. આ પછી મુંબઈ મહાપાલિકાએ આ ધસી પડેલા રસ્તાની દુરસ્તી શરૂ કરી હતી, જે હજુ પૂરી થઈ નથી. તેનો ફટકો વાલકેશ્વર રોડ અને નેપિયન સી રોડના વાહનચાલકોને થઈ રહ્યો છે.
આ રસ્તાને અભાવે રોજ ટ્રાફિકજામ થાય છે. આથી આ રસ્તો તુરંત બાંધીને ટ્રાફિક માટે શરૂ કરવાથી વાલકેશ્વર અને નેપિયન સી રોડ ખાતેનો ટ્રાફિકજામ ઓછો થઈ શકશે, એમ વાહનચાલકોનું કહેવું છે.મુંબઈમાં આગામી થોડા દિવસમાં વરસાદ શરૂ થવાનો હોઈ તે સમયે બી. જી. ખેર માર્ગ પર ટ્રાફિકનો પ્રશ્ન વધુ ગંભીર થવાની શક્યતા છે.
આથી મુંબઈ મહાપાલિકાએ રસ્તાનો માર્ગ ઉપલબ્ધ કરી આપવો જોઈએ એવી માગણી કોંગ્રેસના માજી નગરસેવક અને મુંબઈ કોંગ્રેસના દક્ષિણ મુંબઈના જિલ્લાધ્યક્ષ પ્રમોદ માંદ્રેકરે મહાપાલિકાના પ્રશાસક - કમિશનર ઈકબાલસિંહ ચહલ પાસે પત્ર દ્વારા કરી છે.
વીપીઆઈ વિસ્તાર હોવા છતાં દુર્લક્ષ
મલબાર હિલ અને આસપાસનો વિસ્તાર ભદ્ર તરીકે ઓળખાય છે. અહીં ઉદ્યોગપતિઓ, અતિમહત્ત્વની વ્યક્તિઓના મુકામ સાથે મુખ્ય મંત્રીનું નિવાસસ્થાન, સરકારી ગેસ્ટ હાઉસ, રાજભવન સહિતની મહત્ત્વની ઈમારતો પણ અહીં છે. આથી આ હસ્તીઓની સુરક્ષાને અગ્રતા આપવામાં આવે છે.
જોકે હાલમાં આ રસ્તો ટ્રાફિક માટે ઉપયોગમાં લઈ શકાતો નહીં હોવાથી વાલકેશ્વર, નેપિયન સી રોડ પર વીઆઈપી વાહનો માટે ઘણો સમય ટ્રાફિક રોકવામાં આવતો હોવાથી સમસ્યા ઓર વકરે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.