મોંઘવારીથી સામાન્ય માણસોની કેડ ભાંગી ગઈ છે ત્યારે હવે તેમનાં ખિસ્સાં પર વધુ બોજ આવવાનો છે. સવારનો નાસ્તો હવે મોંઘો થશે, કારણ કે પાંચ મહિનામાં બીજી વાર સ્લાઈસ બ્રેડના દરમાં રૂ. 2થી 5નો વધારો થયો છે. ત્રણ મુખ્ય બ્રાન્ડ્સ દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ચાલુ વર્ષમાં ઘઉં માટે ખુલ્લી બજાર વેચાણ યોજના (ઓએમએસએસ) જાહેર ન કરવાથી મે મહિનામાં ઉદ્યોગોએ આ ભાવવધારો કરવાનો ઈશારો આપ્યો હતો. આ યોજના ખુલ્લી બજારમાં પુરવઠો અને કિંમતો નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે 350- 400 ગ્રામ સફેદ બ્રેડની કિંમત હવે રૂ. 33થી રૂ. 35 થઈ છે.
એક વિતરકે જણાવ્યું કે સેન્ડવિચ સ્ટોલ્સ પર વપરાતા 800 ગ્રામ લોફની કિંમત રૂ. 65 પરથી રૂ. 70 પર પહોંચી છે. મલ્ટીગ્રેન બ્રેડના નિયમિત લોફ રૂ. 55 પરથી રૂ. 60 પર પહોંચી ગયા છે, જ્યારે બ્રાઉન બ્રેડની કિંમત રૂ. 45 પરથી રૂ. 50 થઈ છે.વાસ્તવમાં હાલમાં જાન્યુઆરી 2022માં રૂ. 3-5નો ભાવવધારો કરાયો હતો. આથી સળંગ બીજી વાર ભાવ વધતાં ડિસેમ્બર 2021ની તુલનામાં બ્રેડની કિંમતમાં રૂ. 5-10નો વધારો થયો છે.
કેન્દ્રના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા આ વર્ષે ઘઉં માટે ખુલ્લી બજાર વેચાણ યોજના જાહેર નહીં કરી હોવાથી કિંમતમાં મે મહિનાથી ભાવવધારો અપેક્ષિત હતો. લોટ, બ્રેડ અને બિસ્કિટ જેવા ઘઉં આધારિત ઉત્પાદનોની ઉત્પાદકોને જૂનથી અછત સહિતનાં કારણોસર કિંમતમાં વધારો થવાનો ઈશારો આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.