યોગ્ય તપાસ થશે:રાઉત દ્વારા મહિલાને ધમકીનો મૂળ ઓડિયો પોલીસે મગાવ્યો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વસનીયતા તપાસવા માટે કાલીના ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલશે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહેવાતી રીતે પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળામાં મહિલાને સાક્ષી નહીં આપવા ધમકી અને ગાળાગાળી કરી તે રેકોર્ડ કરેલો મૂળ ઓડિયો પોલીસે ફરિયાદી મહિલા પાસેથી મગાવ્યો છે. કોલ કરનારને ઓળખવા માટે કાલીનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આ ઓડિયો મોકલવામાં આવશે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

રવિવારે રાત્રે પોલીસે રાઉત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી, જેમાં મહિલાને ગાળાગાળી કરવાનો અને અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પતરા ચાર રિડેવલપમેન્ટ ગોટાળા સંબંધી મની લોન્ડરિંગ કેસમાં સાક્ષીદાર આ મહિલાએ રાઉત દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આરોપ કર્યો છે.

તાજેતરમાં ગાળાગાળીની ભાષા સાથે મહિલાને ધમકી આપતી પુરુષના અવાજમાં ઓડિયો ક્લિપ વાઈરલ થઈ ગઈ હતી. ફરિયાદી મહિલાએ અમને પેન ડ્રાઈવમાં ઓડિયો ક્લિપ આપી છે, પરંતુ અમને 2016માં રેકોર્ડ કરેલો મૂળ ઓડિયો જોઈએ છે. મૂળ રેકોર્ડિંગ મળતાં અમે કોલ કરનારની ઓળખ સ્થાપિત કરવા માટે ફોરેન્સિલ સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની મદદ લઈશું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે રાઉત વિરુદ્ધ એફઆઈઆરમાં ભારતીય દંડ સંહિતાની કલમ 504 (શાંતિભંગ સાથે અપમાન), 506 (ફોજદારી ગુનો) અને 509 (મહિલાનું અપમાન અને ગાળાગાળી) હેઠળ રાઉત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે મહિલાનું નિવેદન રવિવારે નોંધવામાં આવ્યું હતું. તેને વિનંતી અનુસાર પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે.

મહિલાએ પોલીસને જણાવ્યું કે 15 જુલાઈએ તેના ઘરે આવતા મરાઠી અખબાર સાથે એક ટાઈપ કરેલો કાગળ પણ મુકાયો હતો, જેમાં તેની સાથે દુષ્કર્મ અને હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. હવે રાઉત સામે પોલીસ શું પગલાં લેશે તેની પર સૌની મીટ રહેશે.નોંધનીય છે કે પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળા સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા રવિવારે મોડી રાત્રે ઈડીએ રાઉતની ધરપકડ કરી હતી. તેમને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવતાં 4 ઓગસ્ટ સુધી કસ્ટડી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...