કૌભાંડનો પર્દાફાશ:કચ્છી વેપારીના બેન્ક અકાઉન્ટમાંથી લાખ્ખોની ઉચાપત કરનારો ઝડપાયો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પછી ચોરટો ઝડપાતાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો
  • RTGS ફોર્મ ચોરીને પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા, ચેક, RTGS સહિતનાં ફોર્મમાં ચેડાં કરવાનું સાહિત્ય જપ્ત

દક્ષિણ મુંબઈમાં કચ્છી વેપારીનું આરટીજીએસ ફોર્મ ચોરી કરીને તેમાં ચેડાં કરી લાખ્ખો રૂપિયા પોતાના અકાઉન્ટમાં સેરવી લેનારા રીઢા ઠગની ક્રાઈમ બ્રાન્ચે નવ મહિના પછી ધરપકડ કરીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી ચેક, આરટીજીએસ સહિતનાં ફોર્મ્સમાં ચેડાં કરવા માટે મોટા પ્રમાણમાં સાહિત્ય, નકલી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.કચ્છી

વેપારી તારાચંદ હીરજી ગાલાના યુનિયન બેન્ક, ભૂલેશ્વર શાખા, વીપી રોડ, સીપી ટેન્કર સર્કલ, ગિરગાવના બેન્ક અકાઉન્ટમાંથી 29 ઓક્ટોબર, 2021ના રોજ રૂ. 4.17 લાખ ગેરરીતિથી આરોપીએ ધ બોમ્બે તારપાડા કંપનીના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. કચ્છી વેપારીએ શ્રીજી કન્સ્ટ્રકશનને નામે આરટીજીએસ ટ્રાન્સફરનું ફોર્મ ભર્યું હતું.

આથી ગડબડ ધ્યાનમાં આવતાં જ તેમણે બેન્કને જાણ કરી હતી, જે પછી ડી બી માર્ગ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સીસીટીવી કેમેરા પરથી એવી જાણ થઈ કે આરોપીએ ગાલાનું વિગતો ભરેલું આરટીજીએસ ફોર્મ ચોરી લીધું હતું, જે પછી પોતાની પાસેનું ફોર્મ ભરીને ગાલાની આબેહૂબ સહી કરીને તે ફોર્મ તેની જગ્યાએ મૂકી દીધું હતું, જેને કારણે કાઉન્ટર પરનો બેન્ક અધિકારી પણ થાપ ખાઈ ગયો હતો.

આ રીતે આરોપીએ અનેક બેન્કોમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની શંકા છે, એમ પોલીસે જણાવ્યું હતું.દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ-2એ સમાંતર તપાસ દરમિયાન લગભગ નવ મહિના પછી વિશ્વસનીય માહિતીને આધારે દાદર પશ્ચિમમાં ભવાની શંકર રોડ પર મદીના ગેસ્ટ હાઉસમાંથી આરોપી સમીર બટાક્રિષ્ણા સામંતા ઉર્ફે અનિમેશકુમાર મિત્રા (40)ની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી રીઢો ઠગ હોવાની શંકા
આરોપી પાસેથી મળી આવેલી આ સામગ્રી પરથી તે રીઢો ગુનેગાર હોય તેમ જણાય છે. તે મૂળ પશ્ચિમ બંગાળના હુગલીનો છે. તેની સાથે બીજું કોણ સંકળાયેલું છે અને તેણે આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે અંગે તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપી પાસેથી શું મળ્યું
આરોપી પાસેથી રોકડ, 6 મોબાઈલ, અલગ અલગ નામે આરોપીના ફોટો સાથે ઈલેક્શન, પેન કાર્ડ, આધાર કાર્ડ, વિવિધ બેન્કનાં પોતાનાં અને પત્નીનાં નામનાં 16 ડેબિટ અને ક્રેડિટ કાર્ટડ, વિવિધ બેન્કના 21 ચેક, 14 કોરા ચેક, પાંચ અકાઉન્ટ ખોલાવવાનાં ફોર્મ, 11 આરટીજીએસ અને એનઈએફટી ફોર્મ, ગોપીચંદ સારેન અને રામેશ્વર મંડીના નામની 16 પેઈંગ સ્લિપ, રબરના સ્ટેમ્પ, સ્ટેમ્પ પેડ, બેન્કના ચેકના ખાતેદારો અને ખાતાંઓની માહિતીની નોંધ સાથેની ડાયરી હસ્તગત કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...