30 સપ્ટેમ્બર સુધીનો સમય:દુકાનો પર મરાઠી નેમપ્લેટના નિયમોનું પાલન કરવાની મુદત 3 મહિના લંબાવાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 30 સપ્ટેમ્બર, 2022 સુધી નેમપ્લેટ મરાઠીમાં નહીં કરે તો કાર્યવાહી

મુંબઈ મહાનગરમાં દુકાનો અને આસ્થાપનાઓ પર મરાઠી નેમપ્લેટ સંબંધિત કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે ફરી એક વખત સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ મુદત શહેરના વેપારીઓની માગણીને ધ્યાનમાં રાખીને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. મહાપાલિકા કમિશનર ડો. ઇકબાલ સિંહ ચહલની સૂચના મુજબ શહેરના એડિશનલ કમિશનર આશિષ શર્માની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી.

તેમાં વિવિધ વેપારી સંગઠનોએ દુકાનો પરના બોર્ડમાં સુધારો કરવા માટે મુદત વધારવાની વિનંતી કરી હતી. આથી 3 મહિના મુદત વધારો આપવા માટે કમિશનર ચહલે મંજૂરી આપી છે. આ મુજબ નેમપ્લેટમાં સુધારો કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે, એમ સુનીતા જોશી, ચીફ ઓફિસર, ડિપાર્ટમેન્ટ ઓફ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સે મંગળવારે જણાવ્યું હતું.

દુકાનો અથવા આસ્થાપના પર બોર્ડ દેવનાગરી લિપિમાં મરાઠી સિવાયની કોઈ પણ ભાષા અને લિપિમાં લગાવી શકાશે. જોકે મરાઠી ભાષામાં લખાણ નેમપ્લેટ પર શરૂઆતમાં જ લખવાનું અને મરાઠી ભાષાનો ફોન્ટ આકાર અન્ય કોઈ પણ ભાષાના ફોન્ટ કરતાં નાનો નહીં હોવો જોઈએ. આનો અર્થ કોઈ પણ અન્ય ભાષા કરતાં મરાઠી ફોન્ટ મોટો હોવો જોઈએ, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

કાયદાની આ જોગવાઈઓના અનુસંધાનમાં, મહાપાલિકા વહીવટી તંત્ર ફરી એક વાર મુંબઈ મહાનગરના તમામ વેપારીઓને અપીલ કરી રહ્યું છે કે, કાયદાની આ જોગવાઈ મુજબ, તેમની દુકાનો- આસ્થાપનાઓ પરની નેમપ્લેટ 30 સપ્ટેમ્બર, 2022 પહેલાં નિયમ અનુસાર બદલી નાખે. અન્યથા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં, મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ, 2017ની જોગવાઈઓ અનુસાર દુકાનો અને સંસ્થાઓના માલિકો સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...