મહત્ત્વપૂર્ણ નિર્ણય:વિનયભંગનો ગુનો હવે ACP- DCPની મંજૂરી પછી જ દાખલ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી ફરિયાદોના કિસ્સા વધતાં કમિશનર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો

જૂના વાદવિવાદમાં કોઈક વ્યક્તિને ફસાવવા માટે તેની વિરુદ્ધ પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012) અથવા વિનયભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવું અનેક વાર જોવા મળે છે. જોકે વિવિધ કારણોસર આવા કિસ્સામાં મોટે ભાગે વેર વાળવા અથવા સામેવાળાને ફસાવવા ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે, જેમાં પછી આરોપી નિર્દોષ પુરવાર થાય છે, પરંતુ ત્યાં સુધી તેને આર્થિક, ભાવનાત્મક, સામાજિક સહિત નુકસાન થયેલું હોય છે, જે ક્યારેય ભરપાઈ થઈ શકતું નથી.

આવા કિસ્સાને ધ્યાનમાં લઈને મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.હવે પછી પોક્સો અથવા વિનયભંગની ફરિયાદ લઈને કોઈ પણ આવે તો તે વિભાગના એસીપી અને ડીસીપીની મંજૂરી પછી જ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને ગુનો દાખલ કરવામાં આવશે. સંજય પાંડેએ આ આદેશનું પાલન કરવા કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર, સર્વ પ્રાદેશિક વિભાગના એડિશનલ કમિશનર, વિભાગીય ડીસીપીને સૂચના આપી છે.પાંડે દ્વારા 6 જૂને જારી કરાયેલા કાર્યાલયીન આદેશમાં જણાવ્યું છે કે જૂના ઝઘડા, મિલકતના વિવાદ, પૈસાની લેણદેણ અથવા વ્યક્તિગત કારણો પરથી પોલીસ સ્ટેશનમાં પોક્સો અને વિનયભંગના કાયદા અંતર્ગત વારંવાર ફરિયાદો આવે છે.

આવા ગુનામાં કોઈ પણ જાતની પૂર્વતપાસ વિના જ આરોપીની તુરંત ધરપકડ કરવામાં આવે છે. આ પછી તપાસ દરમિયાન ફરિયાદ ખોટી હોવાનું બહાર આવે છે અને પછી આરોપીને કલમ 169 સીઆરપીસી અંતર્ગત દોષમુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે આરોપી દોષમુક્ત થાય ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. ધરપકડને લીધે આરોપીની નાહક બદનામી થાય છે, સમાજમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને મોટે પાયે આરોપીનું વ્યક્તિગત નુકસાન પણ થતું હોય છે.

એસીપી- ડીસીપીએ શું કરવાનું રહેશે
આવી બાબતોને રોકવા માટે ગુનો દાખલ કરતી વખતે આવા કિસ્સામાં વિભાગના એસીપીની ભલામણ આવ્યા પછી વિભાગના ડીસીપીની પરવાનગી પછી જ ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ એવી સૂચના પાંડેએ આપી છે. વિભાગીય ડીસીપીએ પરવાનગી આપતી વખતે સુપ્રીમ કોર્ટે લલિતા કુમારી પ્રકરણમાં આપેલા ચુકાદાનું પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એવી સૂચના પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...