રસ્તા પરના ખાદ્યપદાર્થ અને પીણાઓનું વધતું સેવન તથા દૂષિત પાણીના કારણે મુંબઈમાં ગેસ્ટ્રોનું પ્રમાણ ફરીથી વધી રહ્યુ છએ. કોરોનાના સમયમાં નિયંત્રણોને કારણે અને કોરોનાનું સંક્રમણ થવાના ડરથી રસ્તા પરના ખાદ્યપદાર્થોનુ સેવન કરવાનું પ્રમાણ ઘણું ઓછું થયું હતું. પરિણામે ગેસ્ટ્રોના દર્દીઓ ઝાઝા નહોતા. આ વર્ષે અત્યાર સુધી શહેરમાં ગેસ્ટ્રોના 2 હાજર 441 દર્દીઓ નોંધાયા છે.
મુંબઈમાં 2019માં 7 હજાર 785, 2020માં 2 હજાર 541 અને 2021માં 3 હજાર 110 દર્દીઓની નોંધ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીથી મે મહિનાના પાંચ મહિનાના સમયગાળામાં 2 હજાર 441 દર્દીઓ મળ્યા છે. ત્રીજી લહેર ઓસર્યા બાદ તમામ નિયંત્રણ હટાવવામાં આવ્યા છે. તેથી આ વર્ષે દર્દીઓમાં વધારો 10 થી 15 ટકા વધારે છે એમ ડોકટરો જણાવે છે.
શહેરમાં મે મહિનામાં ગેસ્ટ્રોનો ફેલાવો વધારે જણાયો છે. આ મહિનામાં 630 જણને ગેસ્ટ્રો થયો છે. જૂનના પહેલા અઠવાડિયાના પાંચ દિવસમાં ગેસ્ટ્રોના 78 દર્દીઓની નોંધ થઈ છે. ખાર, બાન્દરા અને ભાયખલામાં વધારે દર્દીઓ છે. શહેરના કેટલાક ભાગમાં દૂષિત પાણીના કારણે ગેસ્ટ્રો થયો હોવાનું જણાયું છે. મે મહિનામાં પાણીના ઓછા દબાણ અને ગળતરના કારણે આસપાસનું દૂષિત પાણી પાઈપલાઈનમાં જતું હતું. તેથી ગેસ્ટ્રોના દર્દીઓ નોંધાયા એમ બાન્દરાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. ગેસ્ટ્રો થયેલા દર્દીઓમાં તાવ, જુલાબ, ઉલટી મુખ્ય લક્ષણો જોવા મળે છે.
છેલ્લા થોડા મહિનામાં ગેસ્ટ્રોના જુદા લક્ષણો જોવા મળ્યા છે. ગેસ્ટ્રો મોટા ભાગે દૂષિત પાણી, અનાજમાં રહેલા જીવાણુઓને કારણે થાય છે. પણ નવા સ્વરૂપમાં દર્દીઓમાં વાઈરસના કારણે થયો હોવાનું જણાયું છે. આ દર્દીઓ સાજા થઈ જાય પછી પણ 10 થી 15 દિવસ સુધી નબળાઈ રહે છે.
ગેસ્ટ્રોએન્ટરાઈટિસ એટલે શું?
ગેસ્ટ્રો એટલે પેટ અને આંતરડામાં સોજો થવો. વાઈરસ કે જીવાણુંના ઈન્ફેક્શનના કારણે થતા આ રોગમાં પેટમાં દુખાવો, ઉલટી થવી, ગળું સૂકાવું, પેશાબ ઓછો થવો, જુલાબ જેવા લક્ષણ દેખાય છે. દૂષિત પાણી કે ખરાબ અનાજ પેટમાં ગયા પછી આગામી 12 થી 72 કલાકમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.