ભાસ્કર વિશેષ:મહાપાલિકા નાળાસફાઈ માટે 226 કરોડ ખર્ચ કરશે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં લગભગ 8 લાખ 88 હજાર મેટ્રીક ટન કાદવ કાઢવામાં આવે છે

ચોમાસા પહેલાંના કામના ભાગ તરીકે દર વર્ષે કરવામાં આવતી નાળાસફાઈ માટે આ વર્ષમાં 226 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મોટા અને નાના નાળા માટે દરેકના 90 કરોડ રૂપિયા અને મીઠી નદીમાંથી કાદવ ઉલેચવા 46 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસા પહેલાં નદી અને નાળાઓમાંથી કાદવ કાઢવામાં આવે છે. આખા વર્ષની નાળાસફાઈમાંથી 70 ટકા કાદવ ચોમાસા પહેલાં કાઢવામાં આવે છે. 15 ટકા ચોમાસા દરમિયાન અને 15 ટકા ચોમાસા પછી કાઢવામાં આવે છે. એપ્રિલ મહિનાથી નાળાસફાઈના કામની શરૂઆત થાય છે.

નાળાસફાઈ અને એના માટે કરવામાં આવતા ખર્ચ પરથી હંમેશા મુંબઈ મહાપાલિકાની ટીકા કરવામાં આવે છે. નાળાસફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય છે. નાળાસફાઈ કરવામાં આવે કે બીજા દિવસે ફરીથી નાળાના પાણી પર કચરો તરતો દેખાય છે. આ વર્ષે પણ મહાપાલિકાએ નાળાસફાઈના કામ માટે ટેંડર મગાવ્યા છે. જો કે હજી કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવામાં આવી નથી. આ વર્ષના ચોમાસા માટે મહાપાલિકા પ્રશાસને નાળાસફાઈના કામ માટે 226 કરોડ રૂપિયાની જોગવાઈ 2023-24ના બજેટમાં કરી છે. પ્રશાસકીય શાસનમાં આ વર્ષે નાળાસફાઈના કામ થશે.

મુંબઈ શહેર સમુદ્રકિનારે વસેલું છે. મુંબઈનો ઘણો ભાગ નીચાણવાળો છે. મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ થતી હોવાથી વરસાદનું પાણી લઈ જતી પાઈપલાઈનનું જાળું એ દષ્ટિએ મહત્વનું છે. મુંબઈ અને ઉપનગરોમાં 309 મોટા નાળા અને 1508 નાના નાળા, રસ્તાની કોરે આવેલી 2 હજાર કિલોમીટર લાંબી ગટર, પાંચ નદીઓમાંથી પાણી સમુદ્રમાં જાય છે. જો કે નાળા, ગટરમાં આખુ વર્ષ સમુદ્રમાંથી આવતો અને આસપાસની વસતિમાંથી ફેંકવામાં આવતો કચરો, પ્લાસ્ટિક, ગાદલા, તકિયા, લાકડાનો સામાન વગેરે કચરો નાખવામાં આવે છે. તેથી નાળા ઊભરાય છે. ચોમાસામાં પાણી વહી જવા રસ્તો મળે એ માટે નાળાનો કચરો અને કાદવ કાઢવો જરૂરી હોય છે.

8.88 લાખ મેટ્રીક ટન કાદવ
દર વર્ષે નાળાસફાઈના લગભગ 48 કામ માટે ટેંડર મગાવવામાં આવે છે. મુંબઈના મોટા નાળા, નાના નાળા તેમ જ મીઠી નદીની કુલ લંબાઈ લગભગ 689 કિલોમીટર જેટલી છે. મોટા નાળામાંથી લગભગ 4 લાખ 63 હજાર મેટ્રીક ટન, નાના નાળા અને ગટરમાંથી 4 લાખ 24 હજાર મેટ્રીક ટન કાદવ કાઢવામાં આવે છે. એકંદરે લગભગ 8 લાખ 88 હજાર મેટ્રીક ટન કાદવ કાઢીને મુંબઈની બહારના ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ફેંકવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...