ગોરેગાવ સુધીની હાર્બર લાઈનનું બોરીવલી સુધી વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રકલ્પ માર્ચ 2025 સુધી પૂરો કરવામાં આવશે. એ પછી સીએસએમટીથી બોરીવલી સુધી હાર્બર લોકલ દોડશે એવી માહિતી પશ્ચિમ રેલવે તરફથી આપવામાં આવી હતી.
પ્રકલ્પ અમલમાં મૂકવા સલાહકારની નિયુક્તી કરવામાં આવી હતી. સલાહકારનો અહેવાલ પશ્ચિમ રેલવેને મળ્યો છે. આ અહેવાલમાં વિસ્તરણની અંતિમ મુદત આપવામાં આવી છે. હાર્બર લાઈનમાં સીએસએમટીથી પનવેલ, સીએસએમટીથી અંધેરી, ગોરેગાવ વચ્ચે લોકલ દોડે છે. ગોરેગાવથી પનવેલ લોકલ પણ શરૂ થઈ છે. આ પહેલાં ગોરેગાવના બદલે સીએસએમટીથી અંધેરી સુધી જ હાર્બર સેવા ચાલુ હતી. સીએસએમટીથી અનેક પ્રવાસીઓ અંધેરી સુધી પ્રવાસ કરીને એ પછી પશ્ચિમ રેલવે દ્વારા આગળ પ્રવાસ કરતા હતા.
પ્રવાસીઓની માગણી ધ્યાનમાં રાખીને હાર્બર સેવાનું ગોરેગાવ સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કામ ડિસેમ્બર 2017માં પૂરું થયું પણ ટેકનિકલ કારણોસર માર્ચ 2019થી ગોરેગાવ સુધી લોકલ દોડવાનું શરૂ થયું હતું. એને મળતા પ્રતિસાદને જોઈને હાર્બર રેલવેનું બોરીવલી સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કામ પશ્ચિમ રેલવે કરી રહી છે અને એના સર્વેક્ષણ માટે એક સલાહકાર કંપનીની નિયુક્તી કરવામાં આવી હતી. એનો અહેવાલ રજૂ થયો છે.
ભૂસંપાદન, રૂપરેખા નિયોજન, ઈમારત બાંધકામ, પ્રકલ્પની ઉપયોગીતા વગેરે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ અનુસાર ગોરેગાવથી બોરીવલી સુધીનો વિસ્તાર 7 કિલોમીટર છે. પ્રકલ્પનો ખર્ચ 745 કરોડ 31 લાખ રૂપિયા છે. આ કામ માટે જુલાઈ 2022 સુધી ટેંડર કાઢવામાં આવશે. ટેંડર અને બીજી પ્રક્રિયા અમલમાં મૂકવા લગભગ ત્રણથી ચાર મહિના લાગશે.
હાર્બર લાઈનના વિસ્તરણનું કામ માર્ચ 2025 સુધી પૂરું કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. એપ્રિલ 2025થી હાર્બર લોકલ બોરીવલી સુધી દોડશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યુ હતું. આ રૂટના કામ માટે જુલાઈ 2020માં સલાહકારની નિયુક્તી કરવામાં આવી પણ કોરોનાના કારણે વિલંબ થયો.
એલિવેટેડ માર્ગ
ગોરેગાવથી બોરીવલી સુધી ઉપલબ્ધ જગ્યા ધ્યાનમાં લેતા એ એલિવેટેડ કરવાનો વિચાર છે. હાર્બરનું બોરીવલી સુધી વિસ્તરણ થતા જ 2031 સુધી પ્રવાસી સંખ્યામાં વધુ બેથી ત્રણ લાખનો ઉમેરો થશે. વિસ્તરણ કરતા ખાનગી અને રેલવેના કેટલાક બાંધકામ પર હથોડો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.