નિર્ણય:શિંદે-ફડણવીસ સરકાર દ્વારા ઉદ્ધવ સરકારે બદલેલા ચાર નિર્ણયોનો પાછો અમલ કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનુક્રમે 5 અને 3 રૂપિયા ઘટાડો, બુલેટ ટ્રેન સંબંધી પણ સર્વ પરવાનગીઓ આપવામાં આવી

શિંદે - ફડણવીસ સરકારે ગુરુવારે કેબિનેટ બેઠકમાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં પાંચ અને ત્રણ રૂપિયાનો ઘટાડો કરીને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યની જનતાને આ પ્રથમ મોટું ગિફ્ટ આપ્યું છે. આ સાથે ઠાકરે સરકારે બદલેલા ચાર નિર્ણયોનો પાછો અમલ કરવાનો નિર્ણય પણ લીધો છે. ગુરુવારની કેબિનેટ બેઠકમાં નવ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ પછી મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંયુક્ત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. કેબિનેટ બેઠક પછી પત્રકારોને સંબોધન કરવાની છેલ્લાં કેટલાંય વર્ષથી બંધ કરાયેલી પ્રથા ફરીથી શરૂ કરવામાં આવી છે.

શિંદે- ફડણવીસ સરકારે વચન મુજબ ઈંધણ પરના વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેથી રાજ્યમાં પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે, જે ગુરુવાર મધરાતથી લાગુ થશે. ખાસ વાત એ છે કે ઠાકરે સરકારના કાર્યકાળમાં કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઓછા કર્યા પછી ભાજપ દ્વારા વેટ ઓછો કરવાની સતત માગણી કરવામાં આવી હતી, પરંતુ ઠાકરે સરકાર ટસની મસ થઈ નહોતી. હવે શિંદે- ફડણવીસ સરકારે પહેલું કામ આ દર ઘટાડવાનું કર્યું છે. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર રૂ. 6000 કરોડનો બોજ પડશે.

દરમિયાન કેબિનેટમાં કુલ નવ નિર્ણય લેવાયા હતા. તેમાં ઠાકરે સરકારના ચાર નિર્ણય બદલી નખાયા છે. આ મુજબ નગર પરિષદ અને નગર પંચાયતોના નગરાધ્યક્ષની ચૂંટણી સીધી જનતામાંથી થશે. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી પણ આ જ રીતે જ થશે. બજાર સમિતિના સર્વ ખેડૂતોને પ્રત્યક્ષ મતદાનનો અદિકાર અપાયો છે. કટોકટીના કાળમાં જેલવાસ ભોગવનાર માટે સન્માન યોજના ફરી શરૂ કરવામાં આવી છે.

કેબિનેટમાં આ 9 નિર્ણયો લેવાયા : પેટ્રોલના ભાવમાં ઘટાડો, “સ્વચ્છ મહારાષ્ટ્ર મિશન (શહેરી) 2.0 મિશન’ રાજ્યમાં લાગુ કરવામાં આવશે, કેન્દ્ર પ્રાયોજિત અમૃત અભિયાન 2.0 (કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશન) રાજ્યમાં લાગુ કરવામાં આવશે, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના મેયરની ચૂંટણી જનતા વચ્ચેથી સીધી હાથ ધરવામાં આવશે, રાજ્યમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી પણ આ જ રીતે જ થશે.

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ધારા 1958ની સંબંધિત કલમમાં સુધારો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષનો કાર્યકાળ ત્રણ મહિના સુધી લંબાવશે, મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ધારા 1969ની કલમ 43માં સુધારો, બજાર સમિતિમાં તમામ ખેડૂતોને સીધા મતદાનનો અધિકાર, મહારાષ્ટ્ર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1963માં સુધારો અને કટોકટીના સમયગાળા દરમિયાન જેલવાસ ભોગવનારના સન્માનની પ્રથા પણ ફરી શરૂ કરાઈ છે.

બુલેટ ટ્રેન પણ ફાસ્ટ ટ્રેક પર
દરમિયાન લાંબા સમયથી રખડી પડેલા બુલેટ ટ્રેન પ્રકલ્પને પણ શિંદે સરકારે લીલી ઝંડી આપી છે. મુખ્ય મંત્રીએ બુલેટ ટ્રેન સંબંધી બધી પરવાનગીઓ આપી હોવાનું ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ઉડણવીસે જણાવ્યું હતું. આથી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં પણ ફાસ્ટ ટ્રેક પર આવી જશે એવી અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...