પ્રયોગ કાગળ પર જ...:પ્લાસ્ટિકમાંથી રસ્તાઓ બનાવવાનો પ્રયોગ ખોરંભે, પ્લાસ્ટિકનું વર્ગીકરણ કરવાની યંત્રણા ઊભી કરવી મુશ્કેલ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચરામાં નાખેલ, ફોગટ ગયેલ કે જપ્ત કરવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રસ્તા બાંધવાનો નિર્ણય કેટલાક વર્ષ પહેલાં મહાપાલિકા પ્રશાસને લીધો હતો. જો કે હવે આ પ્રયોગનો વીંટો વાળી દેવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનું વર્ગીકરણ કરવું, રસ્તા બાંધવા માટે ચોક્કસ દરજ્જાનું પ્લાસ્ટિક પસંદ કરવા માટે યંત્રણા ઊભી કરવી મુશ્કેલ હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો પ્રયોગ કાગળ પર જ રહ્યો છે.

પ્લાસ્ટિકની થેલીઓ, એક વખત વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો વધ્યો હોવાથી પ્લાસ્ટિક બંધીની માગણી થવા માંડી. કચરામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મળવા માંડ્યું, સમુદ્ર પ્રદૂષિત થવા લાગ્યો, પાઈપલાઈનમાં કચરો અટકવા માંડ્યો હોવાથી પ્લાસ્ટિકના વપરાશ પર બંધી મૂકવાની માગણી વધી હતી. પરિણામે રાજ્ય સરકારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર બંધી મૂકી.

જૂન 2018થી રાજ્યમાં પ્લાસ્ટિક બંધી લાગુ થઈ. એ સમયે મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવેલ પ્લાસ્ટિક મહાપાલિકાના ગોદામમાં પડી રહ્યું. એ જ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રસ્તા બાંધવાનો વિકલ્પ રજૂ થયો. કેટલાક શહેરમાં આવો પ્રયોગ કરવામાં આવ્યો હોવાથી મુંબઈમાં પણ રસ્તા બાંધવા માટે પ્લાસ્ટિક વાપરવાની ચર્ચા શરૂ થઈ.

જો કે હજી રસ્તા બાંધવા પ્લાસ્ટિકનો ઉપયોગ શરૂ થયો નથી. રાજ્ય સરકારના આદેશ અનુસાર એક વખત વાપરીને ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિકના ચમચા, પ્લેટ્સ, ગ્લાસ, સ્ટ્રો, પ્લાસ્ટિક કન્ટેનર, તેમ જ તમામ પ્રકારના પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ પર બંધી મૂકવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલ અને ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકનો ઉપયોગ રસ્તા બાંધવા માટે કરવો એવો વિચાર છેલ્લા થોડા વર્ષોથી રજૂ થઈ રહ્યો છે.

મહાપાલિકા તરફથી રસ્તા બાંધવા માટે દર વર્ષે મોટા પ્રમાણમાં ભંડોળ ખર્ચ કરવામાં આવે છે. જો કે છતાં દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પર ખાડા પડે છે. તેથી રસ્તા બાંધવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો પ્રયોગ કરવામાં આવનાર હતો. પ્લાસ્ટિકનું વર્ગીકરણ જરૂરી : ખાડા ભરવા માટે વાપરવામાં આવતા કોલ્ડમિક્સ અને હોટમિક્સમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો વિચાર ચાલુ હતો.

ભૂતપૂર્વ અતિરિક્ત આયુક્ત વિજય સિંઘલના કાર્યકાળમાં કોલ્ડમિક્સમાં પ્લાસ્ટિક વાપરી શકાય કે, કેટલા ટકા વાપરી શકાય એ નક્કી કરવા ટેકનિકલ સલાહકાર સમિતિ પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જો કે એ બાબતે આગળ કંઈ જ ન થયું. દરમિયાન ઈંડિયન રોડ કોંગ્રેસની ખાસ નિયમાવલીના માર્ગદર્શક ધોરણ અનુસાર પ્લાસ્ટિકની થેલીઓનો ભુક્કો ચોક્કસ પ્રમાણમાં ડામરના મિશ્રણમાં વાપરવામાં આવે છે. એના માટે ચોક્કસ દરજ્જાના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પડે છે. એના માટે ફોગટ ગયેલા કે કચરામાં ફેંકી દેવાયેલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પહેલાં એનું વર્ગીકરણ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...