રાજકારણ:ઊર્જા ઉપકરણ નિર્મિતી ઝોન પ્રકલ્પ પણ મહારાષ્ટ્રથી બહાર થઈ ગયો!!

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિંદે- ફડણવીસ સરકારે જવાબદારી આઘાડી પર ઢોળી

મોટા મોટા પ્રકલ્પો મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યા છે તે માટે વિરોધીઓ દ્વારા સત્તાધારીઓને ભીંસમાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે સત્તાધારીઓ દ્વારા વિરોધીઓને કારણે જ પ્રકલ્પો રાજ્યની બહાર ગયા એવું બતાવવામાં આવી રહ્યું છે. આ આરોપપ્રત્યારોપ વચ્ચે વધુ એક પ્રકલ્પ મહારાષ્ટ્રની બહાર ગયો છે, જેને લઈને ફરીથી રાજકારણ ગરમાય એવી શક્યતા છે.આ વખતે ઊર્જા નિર્મિતી ઝોન પ્રકલ્પ મેળવવામાં મધ્ય પ્રદેશ સરકારને સફળતા મળી છે. મધ્ય પ્રદેશના ઔદ્યોગિક વિકાસ મહામંડળને તેવો પત્ર કેન્દ્ર સરકારે મોકલ્યો છે.

વેદાંતા- ફોક્સકોન, ટાટા- એરબસ, બલ્ક ડ્રગ પાર્ક જેવા પ્રકલ્પ મહારાષ્ટ્રની બહાર ગયાના આરોપ વિરોધીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ધ્યાનમાં લેતાં હવે વધુ એક પ્રકલ્પ રાજ્યના હાથમાંથી છટકી જતાં ફરી આરોપ- પ્રત્યારોપને ધાર મળશે.કેન્દ્રમાં ભાજપ સરકારે ફેબ્રુઆરી 2022ના બજેટમાં ઊર્જા ઉપકરણ નિર્મિતી ઝોન પ્રકલ્પની ઘોષણા કરી હતી. તેમાં પાંચ વર્ષ માટે આ ઝોનને રૂ. 400 કરોડ મળવાના હતા. તે અંગેની અધિસૂચના 13 એપ્રિલ, 2022 રોજ કાઢવામાં આવી હતી. એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ દાખલ કરવાની છેલ્લી તારીખ 8 જૂન, 2022 હતી.

આ સમયગાળામાં મહાવિકાસ આઘાડી સરકાર હતી. આથી આ પ્રકલ્પ પણ ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં મહારાષ્ટ્રની બહાર ગયાનો ખુલાસો શિંદે- ફડણવીસ સરકારે કર્યો હતો.દરમિયાન ઊર્જા ઉપકરણ નિર્મિતી ઝોન પ્રકલ્પ માટે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને તામિલનાડુ રાજ્યો સ્પર્ધામાં હતાં. મહારાષ્ટ્ર પાસેથી એમઆઈડીસીએ આ બાબતનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો હતો.

આઘાડીના કાર્યકાળમાં થયું: ફડણવીસ : દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રકલ્પની સર્વ ટાઈમલાઈન મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળની છે. તેના ત્રણ ભાગ હશે, બે ભાગની ઘોષણા થવાની બાકી છે. મહારાષ્ટ્રમાંથી પ્રકલ્પ ગયો એવી બૂમાબૂમ કરવાનું અયોગ્ય છે. તેને લીધે મહારાષ્ટ્રની બદનામી થાય છે. મહાવિકાસ આઘાડીની આ નિષ્ફળતા અમારે માથે નહીં મારો. અધિકારીઓ પણ હતાશ થાય છે. એકનાથ શિંદેએ જણાવ્યું કે કોઈ પણ પ્રકલ્પ ત્રણ-ચાર મહિનામાં આવે અને જાય એવું હોતું નથી. કોઈ પણ પ્રક્રિયા અગાઉથી ચાલતી હોય છે. પ્રકલ્પ એટલે જાદુની લાકડી નથી કે અહીંથી આવી અને ત્યાં ગઈ.

ગાડી ક્યાં અટકી પડી?
આઠ રાજ્યો આ ઊર્જા ઉપકરણ નિર્મિતી ઝોન પ્રકલ્પ માટે સ્પર્ધામાં હતા. તેમણે મોકલેલા પ્રસ્તાવનું મૂલ્યમાપન કરવા માટે કેન્દ્ર સરકારે એક એજન્સી નીમી હતી. આ એજન્સીઓ મધ્ય પ્રદેશના ઔદ્યોગિક વિકાસ મહામંડળે મોકલેલા પ્રસ્તાવને સૌથી વધુ ગુણ આપ્યા. આથી કેન્દ્ર સરકારનો પ્રકલ્પ સ્ટીયરિંગ કમિટી દ્વારા 22 ઓક્ટોબર, 2022ના રોજ મધ્ય પ્રદેશમાં ઊભો કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે 2 નવેમ્બર, 2022ના રોજ મધ્ય પ્રદેશના મઉખ્ય સચિવે મંજૂરીનો પત્ર આપ્યો હતો.

ફરી આક્ષેપબાજી
ઊર્જા ઉપકરણ નિર્મિતી ઝોન પ્રકલ્પ મહારાષ્ટ્રના હાથમાંથી છટકી જવા માટે શિંદે- ફડણવીસ સરકારે મહાવિકાસ આઘાડીને જ જવાબદાર ઠરાવી છે. આ પ્રક્રિયાના સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી હતા. આથી આ પ્રકલ્પ તેમને લીધે ગયાનો શિંદે- ફડણવીસ સરકારે ખુલાસો કર્યો છે. હવે તેની પર વિરોધીઓ શું ઉત્તર આપે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...