લાલબાગમાં જૈન મહિલા વીમા પ્રકાશ જૈન (55)ની હત્યા કરીને લાશના ટુકડેટુકડા કરીને ઘરમાં છુપાવીને મહિનાઓ સુધી કોહવાયેલી લાશની દુર્ગંધ વચ્ચે રહેનારી પુત્રી રિંપલ (24)ની પૂછપરછ પરથી તેણે કોઈકનો સાથ લીધો હોવાનું પોલીસને જણાયું છે, જેને લઈ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે લાશના ઘણા બધા ટુકડા કરવાનું એકલી રિપલ માટે શક્ય હોય એમ લાગતું નથી. તેને કોઈકે મદદ કરી છે. રિંપલના ફોનમાંથી એક નંબર એવો મળ્યો છે, જેની સાથે તે સતત સંપર્કમાં હતી. તે શખસ નજીકમાં ફૂટસ્ટોલ ચલાવતો હતો અને હાલમાં ફરાર છે.
આથી તેને પકડવા માટે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં બે પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.બીજી બાજુ ઈલેક્ટ્રિક કટરથી લાશના ટુકડા કર્યા તો પાડોશીઓને અવાજ કેમ નહીં આવ્યો એવું પુછાતાં આ અધિકારીએ જણાવ્યું કે રિંપલે લાશના ટુકડા કરતી વખતે કદાચ ટીવીનો અવાજ મોટો રાખ્યો હશે. વળી, તેમની ઈમારત પાસે બાંધકામ પણ ચાલી રહ્યું છે, જ્યાંથી જોરજોરમાં અવાજ આવે ત્યારે કટરનો ઉપયોગ કર્યો હોઈ શકે. રિંપલનું પ્રેમપ્રકરણ હોવાની પણ શંકા છે, જે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઘરમાંથી પોલીસે ઈલેક્ટ્રિક માર્બલ કટર, કોયતો અને છરો જપ્ત કર્યા છે.
લાલબાગની ગેસ કંપની લેનમાં ઈબ્રાહિમ કાસમ ચાલમાં પહેલા માળે રૂમ 22માં રહેતી વીણા જૈન (55)ની હત્યા 27 ડિસેમ્બર, 2022થી 14 માર્ચ, 2023 વચ્ચે થઈ હશે એવો અંદાજ છે. લાશ કોહવાયેલી હતી અને કીડા પણ પડી ગયા હતા. આથી ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં હત્યા કરાઈ હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
કટરનો દુકાનદાર મળી આવ્યો : દરમિયાન ઈલેક્ટ્રિક કટર જેની પાસેથી ખરીદી કરાયું હતું તે દુકાનદારને પોલીસે ઓળખી કાઢ્યો છે. તેની પણ પૂછપરછ કરવામાં આવશે. વીણા તેની પુત્રી સાથે 2005થી અહીં રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાથી વીણાનો સંપર્ક થતો નહોતો. આથી તેની પુત્રીને પૂછતાં તે અલગ અલગ જવાબ આપીને માતા વિશે કહેવાનું ટાળતી હતી. આખરે વીણાના ગુંડેચા ગાર્ડનમાં રહેતા ભાઈ સુરેશકુમાર ફૂલચંદ પોરવાલે (60) પોતાની પુત્રીને વીણાના ઘરે મોકલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.