ચેતવણી:વડનાં ઝાડ અને ડાળી તોડનાર સામે પાલિકા કાર્યવાહી કરશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1000થી 5000 દંડ અને 1 વર્ષ સુધી સજા થઈ શકે

પર્યાવરણને પહોંચી રહેલી હાનિને લઈ મહાપાલિકા પ્રશાસન જાગ્યું છે. વટપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં વડનાં ઝાડ અથવા ડાળીઓ તોડવામાં આવે છે. જોકે હવે અનધિકૃત રીતે આવું કરનાર સામે મહાપાલિકા કઠોર પગલાં લેશે. આ વખતે 14 જૂને વટપૂર્ણિમા આવી રહી છે તે પૂર્વ જ પ્રશાસન જાગ્યું છે.

મહારાષ્ટ્ર (નાગરી ક્ષેત્ર) ઝાડનું સંરક્ષણ અને જતન ધારા 1975 (તારીખ 1 જાન્યુઆરી, 2016 સુધી સુધારિત)ની કલમ 21માં જોવાઈ અનુસાર ટ્રી ઓથોરિટીની પૂર્વમંજૂરી વિના કોઈ પણ ઝાડ તોડવા અથવા તોડવા માટે કારણભૂત બનવાનું પણ ગુનો છે. અનધિકૃત રીતે ઝાડ તોડનાર સામે ગુનો સિદ્ધ થવા પર રૂ. 1000થી રૂ. 5000 સુધી દંડ અને એક અઠવાડિયાથી એક વર્ષ સુધીની કેદ થઈ શકે છે, એમ મહાપાલિકાએ જણાવ્યું છે.

દર વર્ષે વટપૂર્ણિમા પૂર્વે વડનાં ઝાડની ડાળીઓ બજારમાં વેચવા માટે આવેલી દેખાય છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને વિક્રેતાઓ જાહેર રસ્તાઓની બાજુનાં અથવા ખાનગી સંકુલનાં વડનાં ઝાડ અને ડાળ તોડે છે, જે ગુનો છે. ખાસ કરીને મુંબઈ જેવા ગીચ શહેરમાં ઝાડના જતનની હવે તીવ્ર જરૂર છે, કારણ કે ઝાડની સંખ્યા ઓછી થઈને પર્યાવરણને પણ હાનિ પહોંચી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આથી જો વટપૂર્ણિમા પર અથવા તે પૂર્વે કોઈ પણ વડનાં ઝાડ અથવા ડાળી તોડતાં મળી આવશે તો કાર્યવાહી કરાશે, એવી ચેતવણી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...