મુંબઈ મહાપાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓનો યુનિફોર્મ આગામી શૈક્ષણિક વર્ષથી બદલાશે. અનેક વર્ષોથી યુનિફોર્મ બ્લૂ કલરનો હતો જે હવે બદલાઈને ક્રીમ કલરનો કરવામાં આવશે. આ યુનિફોર્મનો કલર 15 સભ્યોની સમિતિએ નક્કી કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી બ્લૂ કલરની પેન્ટ, શર્ટ અને ટાઈ એવો યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીનીઓ માટે બ્લૂ ફ્રોકનો યુનિફોર્મ હતો. મોટા ક્લાસની વિદ્યાર્થીનીઓ માટે બ્લૂ રંગનો સલવાર કમીઝનો યુનિફોર્મ છે. હવે આ યુનિફોર્મ ટૂંક સમયમાં બદલાશે. ક્રીમ કલરનો નાના ચેક્સની ડીઝાઈનવાળો નવો યુનિફોર્મ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે.
એસએસસી મંડળ ઉપરાંત સીબીએસઈ, આઈસીએસઈ અને આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ પણ મહાપાલિકાએ શરૂ કરી છે. હવે શિક્ષણ વિભાગે યુનિફોર્મ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુનિફોર્મનો કલર નવો નક્કી કરવામાં આવ્યો છે એવી માહિતી શિક્ષણ વિભાગના સહઆયુક્ત અજિત કુંભારે આપી હતી. આગામી શૈક્ષણિક વર્ષમાં આ નવો યુનિફોર્મ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મહાપાલિકા તરફથી યુનિફોર્મ સહિત 27 શૈક્ષણિક વસ્તુઓ વિદ્યાર્થીઓને મફત આપવામાં આવે છે.
નવો યુનિફોર્મ નિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગે 15 સભ્યોની સમિતિ બનાવી હતી. એમાં મહાપાલિકાના અધિકારીઓ સાથે ખાનગી ડ્રેસ ડીઝાઈનરોનો સમાવેશ હતો. અત્યારના યુનિફોર્મમાં ટાઈ છે જ્યારે હવે એના માટે વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બાબતે અધિકારીએ જણાવ્યું કે ટાઈ પહેરવી અનેક વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓ ટાઈ પહેરતા નથી. તેથી હવે ટાઈના બદલે કપડાનો પટ્ટો આપવામાં આવશે. મહપાલિકાની 973 પ્રાથમિક અને 243 માધ્યમિક સ્કૂલ છે જેમાં 3 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ભણે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.