મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી એક હૃદયને હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના મામાના ઘરે જતી અટકાવવાના નજીવા કારણસર તેના બે વર્ષના પુત્ર અને ચાર મહિનાની પુત્રીની નિર્દયતાથી હત્યા કરી હતી. એ પછી ગુનાને અંજામ આપ્યા બાદ મહિલાએ મૃતદેહનો નાશ કરવા માટે તેની માતા અને ભાઈની મદદ લીધી અને ગુપ્ત રીતે અંતિમસંસ્કાર કર્યા હતા, પરંતુ તમામને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ કેસ મામલે પોલીસ ઈન્સ્પેક્ટર વિકાસ પાટીલે જણાવ્યું કે, આ ઘટના નાંદેડ જિલ્લાના પાંડુરાના તાલ ભોકર ખાતે બની હતી. પોલીસે નિર્દયી માતા સાથે તેના ભાઈ અને માતાની ધરપકડ કરી છે. આરોપી માતાની ઓળખ ધ્રુપદા ગણપત નીલમવાડ (30) તરીકે થઈ છે. માર્યા ગયેલા બાળકોની ઓળખ દત્તા ગણપત નિમવાડ (2) અને અનસુયા (ચાર મહિના) તરીકે થઈ છે.
આ હૃદયદ્રાવક ઘટના 31 મેની રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા. દિવસ દરમિયાન પતિએ મહિલાને તેના મામાના ઘરે જવાની મનાઈ કરી હતી. પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ મહિલા તેના બે બાળકો સાથે ગુપ્ત રીતે જતી રહી હતી, જેમાં પુત્રી અનસૂયા રડવા લાગી હતી. મહિલાએ વિચાર્યું કે તેનો પતિ ઊઠશે અને તેને મારશે.
આ ડરના કારણે તેણે ઘરની બહાર નીકળતી વખતે પહેલા દીકરીનું ગળું દબાવી હત્યા કરી અને પછી ગામની બહાર એક પુલ પાસે તેની લાશને જમીનમાં દાટી દીધી.સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર અર્ચના પાટીલે જણાવ્યું કે 1 જૂનના રોજ સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે મહિલા તેના પુત્ર દત્તા સાથે મુદખેડ નજીકના બ્રાહ્મણવાડા ગામમાં પહોંચી હતી.
મહિલા ઘરેથી જતી હોવાની જાણ પતિને થતાં તે તેને લેવા માટે ઘરની બહાર નીકળી ગયો હતો. રસ્તામાં તેણે બ્રાહ્મણવાડા શિવરામાં ગુરુદ્વારા પાસે શેરડીના ખેતરમાં તેની પત્ની અને પુત્રને જોયા. પતિને જોઈને મહિલા ભાગી ગઈ અને શેરડીના ખેતરમાં સંતાઈ ગઈ. પતિ તેમને શોધતો હતો કે ખેતરની વચ્ચેથી બાળકની ચીસોનો અવાજ આવ્યો અને થોડીવાર પછી પતિ ત્યાં પહોંચ્યો તો બાળક મૃત હાલતમાં મળી આવ્યું.
જમીનમાંથી મૃતદેહ બહાર કાઢી આગ ચાંપી : આ પછી મહિલા તેના મામાના ઘરે પહોંચી અને તેના ભાઈ સાથે માતા તેની પુત્રીના મૃતદેહને કાઢવા તેના સાસરે ગઈ. ત્રણેયે બાળકીનો મૃતદેહ જમીનમાં બહાર કાઢ્યો અને પછી મામલો છુપાવવા તેને સળગાવી દીધો. કેટલાક ગ્રામજનોએ તેને આમ કરતા જોયા અને સ્થાનિક પોલીસને જાણ કરી.
આ પછી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અર્ચના પાટીલ અને પોલીસ ઈન્સ્પેક્ટર વિકાસ પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા, અને બળી ગયેલી લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ પછી મહિલા, તેની માતા કોંડાબાઈ અને ભાઈ માધવની ધરપકડ કરવામાં આવી હતી. આકરી પુછપરછ બાદ ત્રણેયએ પોતાનો ગુનો કબુલી લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.