મહારાષ્ટ્રના પુણે જિલ્લાની પિંપરી ચિંચવડ પોલીસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ પર શાહી હુમલા માટે ધરપકડ કરાયેલા ત્રણ જણ સામે હત્યાના પ્રયાસના આરોપો પાછા ખેંચી લીધા છે. ઉપરાંત આ પ્રકરણે 10 પોલીસ કર્મચારીઓનું સસ્પેન્શન પણ પાછું ખેંચાયું છે. આ પોલીસો તે દિવસે મંત્રીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં ફરજમાં હતા. તેમની સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ વિરોધી પક્ષ દ્વારા તાલીબાની કાર્યવાહી એવું કહીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જે પછી પ્રશાસન ઝૂક્યું છે.
નોંધનીય છે કે સમાજ સુધારકો બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફુલેએ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે સરકારી અનુદાનની માગણી કરી નહોતી અને તેમણે શાળા તથા કોલેજો શરૂ કરવા ભંડોળ ભેગું કરવા માટે ભીખ માગી હતી એવું વક્તવ્ય કર્યું હતું. તેમના આ ભીખ શબ્દ પરથી વિવાદ છંછેડાયો હતો. તેના વિરોધમાં શનિવારે પિંપરી ચિંચવડમાં શાહી ફેંકવાની ઘટના બની હતી. પાટીલ જ્યારે એક કાર્યકર્તાના ઘરની બહાર આવી રહ્યા હતા ત્યારે ત્રણ જણે તેમની પર શાહી ફેંકી હતી. આ ત્રણની પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.
ઉપરાંત સુરક્ષામાં કથિત ક્ષતિઓ બદલ ત્રણ અધિકારીઓ સહિત 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પિંપરી ચિંચવડ પોલીસ કમિશનર અંકુશ શિંદેએ જણાવ્યું હતું કે, પાટીલ પર શાહી ફેંકવા બદલ પકડાયેલા ત્રણ આરોપીઓ સામે નોંધાયેલા કેસમાં અમે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હટાવી દીધી છે.
અમે મંત્રી પર ફેંકવામાં આવેલી શાહીના નમૂનાઓ ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલ્યા હતા. પૃથ્થક્કરણના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે. તેના આધારે અમે કેસમાંથી આઇપીસીની કલમ 307 હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે તેમના પર લાદવામાં આવેલી અન્ય કલમો અકબંધ રહેશે. શિંદેએ જણાવ્યું હતું કે, 10 પોલીસ કર્મચારીઓનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
હુમલા બાદ, પોલીસે સમતા સૈનિક દળના કન્વીનર સભ્ય મનોજ ભાસ્કર ખરબડે (34) અને સભ્ય ધનંજય ભાઈસાહેબ ઈજગજ (29) અને વંચિત બહુજન આઘાડીના સચિવ વિજય ધર્મ ઓવહાલ (40)ની ધરપકડ કરી હતી. સમતા સૈનિક દળ 1924માં ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત સંગઠન છે, અને રાજકીય પક્ષ વંચિત બહુજન આઘાડીની સ્થાપના ચાર વર્ષ પહેલાં પ્રકાશ આંબેડકર કરી હતી.
પાટીલે સોમવારે અગાઉ તેમના નિવેદનને લગતા વિવાદને વધતો રોકવા માટે માફી માગી અને તેમની પર શાહી હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા આરોપીઓને મુક્ત કરવાની વિનંતી કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે તેમણે પોલીસ કર્મચારીઓનું સસ્પેન્શન પાછું ખેંચવાની પણ વિનંતી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.