ઠાકરે જૂથનો જોશ બુલંદ:અંધેરીની પેટાચૂંટણી ઠાકરે જૂથ અને BJP માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટમાં બે કેસ જીતવાથી ઠાકરે જૂથનો જોશ બુલંદ

મુંબઇના અંધેરી- પૂર્વની વિભાનસભાની પેટાચૂંટણી ઠાકરે જૂથ અને ભાજપ માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. ખાસ કરીને ઠાકરે જૂથે દશેરા રેલી માટે શિવાજી પાર્ક મેળવીને અને પોતાના ઉમેદવાર ઋતુજા લટકેનું રાજીનામું સ્વીકારવા માટે મહાપાલિકાને હાઈ કોર્ટે આપેલા આદેશને લઈ ઠાકરે જૂથનો જોશ બુલંદ બન્યો છે.

શિવસેનામાં મોટો બળવો, ત્યાર બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પક્ષનું નામ અને પક્ષનું ચિહન ગુમાવવું અને જામી ગયેલી પાર્ટીને કારણે ઉગ્ર રાજકીય વાતાવરણમાં અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ તેમ જ શિંદે જૂથ માટે ખૂબ જ પ્રતિષ્ઠાભરી બની રહેશે.

મૂળભૂત રીતે અંધેરીનો આ મતવિસ્તાર એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી સુરેશ શેટ્ટી આ બેઠક પરથી ત્રણ વખત ચૂ઼ંટાઇ આવ્યા હતા, પરંતુ બદલાયેલા રાજકીય સમીકરાણોને કારણે હાલમાં આ જંગ ઠાકરેની શિવસેના અને શિંદેની શિવસેના સાથે ભાજપ, કોન્ગ્રેસ, રાષ્ટ્રવાદી અને આરપીઆઇ જેવા પક્ષોની પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.

અગાઉ શિવસેનાના રમેશ લટકે આ મતવિસ્તારમાંથી સતત બે વખત ચૂંટાયા હતા. નગરસેવક તરીકે અંધેરી ઈસ્ટમાં વર્ષોથી લટકેની હાજરી અને તેમનો જનસંપર્ક શિવસેના માટે હંમેશાં ફાયદાકારક રહ્યો છે. જો આ વાત સાચી હોય તો પણ અગાઉની બંને ચૂંટણીઓ દર્શાવે છે કે આ મતવિસ્તારમાં ભાજપ માટે પણ મોટો મતદાર વર્ગ છે.

રાજકીય નિરીક્ષકો કહે છે કે અહીં ખરી અને અપેક્ષિત લડાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ભાજપ વચ્ચે હતી. રમેશ લટકેનાં પત્ની ઋતુજા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે મુરજી પટેલ લટકેના મૃત્યુને કારણે ખાલી પડેલી સીટ પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, મુરજી પટેલ મૂળ કચ્છી છે.

શું છે આ સીટનું રાજકીય ગણિત?

અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તાર મિશ્ર વસતિ ધરાવે છે. એવું જોવામાં આવે છે કે આ મિશ્ર વસતિ અને અહીંના મતદારોનો ઝુકાવ 2014 સુધી હંમેશાં કોંગ્રેસની તરફ રહ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી સુરેશ શેટ્ટીની આ મતવિસ્તાર પર સારી પકડ હતી. ગઠબંધન સરકાર દરમિયાન આરોગ્ય મંત્રી રહેલા શેટ્ટી અહીંથી ત્રણ વખત ચૂંટાયા હતા. 2014 પછી દેશ અને રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાતાં આ મતવિસ્તારમાં પણ ચોંકાવનારાં પરિણામો આવ્યાં છે. એક સમયે મુંબઈમાં કોંગ્રેસનો ગઢ ગણાતો આ મતવિસ્તાર ભાજપ અને શિવસેના માટે અનુકૂળ બન્યો હતો. 2014માં શિવસેના- ભાજપ એકબીજા સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારે શિવસેનાના રમેશ લટકેએ ભાજપના સુનીલ યાદવને માત્ર 5479 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર સુરેશ શેટ્ટી ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા હતા. શેટ્ટીએ આ મતવિસ્તારમાં 2009ની ચૂંટણીમાં લટકેને 5000 મતોથી હરાવ્યા હતા. તેથી જ્યારે એવી આગાહી કરવામાં આવી હતી કે 2014માં લડાઈ શેટ્ટી વિરુદ્ધ લટકે જેવી હશે ત્યારે ભાજપના ઉમેદવાર અહીં બીજા સ્થાને રહેતાં ઘણાનાં ભવાં ઊંચકાયાં હતાં.

મુરજી પટેલ કઈ રીતે મેદાનમાં

2019માં મુરજી પટેલે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. શિવસેના અને ભાજપના સંયુકત ઉમેદવાર રમેશ લટકે સામે અપક્ષ ઉમેદવાર તરીકે તેમણે સારું એવું જોર કરીને બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે વિધાનસભાની સીટ શિવસેનાએ જીતી હતી, પરંતુ 2019ની વિધાનસભા ચૂંટણીમાં અંધેરી પૂર્વ મતવિસ્તારમાં લગભગ 1 લાખ 47 હજાર 117 મત પડ્યા હતા. તેમાંથી રમેશ લટકેને 62 હજાર 773 મત મળ્યા હતા. જયારે મુરજી પટેલને 45 હજાર 808 મત મળ્યા હતા. 2020 માં મુરજી પટેલને ભાજપના મુંબઈ ઉત્તર પશ્ચિમ જિલ્લાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઠાકરે જૂથ બે ઉમેદવારનાં ફોર્મ ભર્યાં

​​​​​​​દરમિયાન ઋતુજા લટકેએ ધાર્યા મુજબ ઉમેદવારીની અરજી દાખલ કરવાની છેલ્લી તારીખે ઠાકરે જૂથ તરફથી અરજી દાખલ કરી હતી, પરંતુ આ સાથે ઠાકરે જૂથ દ્વારા બીજી એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. સંદીપ નાઈકે ઠાકરે જૂથ તરફથી ઉમેદવાર તરીકે બીજી અરજી દાખલ કરી છે. કોઇ પણ કારણોસર જો ઋતુજા લટકેની ઉમેદવારી ફોર્મ રદ થાય તેવા સંજોગોમાં ઠાકરે જૂથે સાવચેતીના પગલારૂપે રાજકીય પરીપકવતા દાખવી નાઈકને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી હોવાનું જાણકારોનું કહેવું છે. દરમિયાન ભાજપમાંથી મુરજી પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. શિવસેનામાં ઊભી થયેલી વિભાજન બાદ પ્રથમ વખત રાજ્યમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઠાકરે જૂથ અને કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસસામે શિંદે જૂથ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની ટક્કર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...