ઘર્ષણ:વિકાસકાર્યોના ઉદઘાટનમાં ઠાકરે-શિંદે જૂથ સામ-સામે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસકામોનું શ્રેય ખાટવાને મામલે ઘર્ષણ

મુંબઇમા પ્રભાદેવી રેલવે સ્ટેશન વિસ્તારમાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ વિકાસકાર્યોના ઉદઘાટનને મામલે સામસામે આવી ગયાં હતાં. વિકાસકામોના ઉદઘાટન વખતે શ્રેય ખાટવાને મુદ્દે બંને જૂથ સામસામે આવી ગયા હતાં. આ સમયે ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શિંદે જૂથના ભૂતપૂર્વ નગરસેવક સમાધાન સરવણકરના હસ્તે આ વિસ્તારના વિકાસકાર્યોનું ઉદઘાટન થવાનું હતું, પરંતુ ઠાકરે જૂથે સૂત્રોચ્ચાર કરીને ઉદઘાટનનો વિરોધ કર્યો હતો. આ સમયે તંગદિલી સર્જાઈ હતી, પરંતુ પોલીસની સમયસર દરમિયાનગીરીથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

એલ્ફિન્સ્ટન ડિવિઝનમાં મુરલીધર સામંત માર્ગ, ફીટવાલા રોડ ફૂટપાથનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. સરવણકર દ્વારા નવીનીકરણ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ ઠાકરે જૂથના કાર્યકરો પણ અહીં આવી ગયા હતા. આ કામ ઠાકરે જૂથના ધારાસભ્ય અજય ચૌધરીએ કર્યું છે. તેમણે આ કામ આગળ ધપાવ્યું છે. તેથી તેનું શ્રેય ઠાકરે જૂથને જાય છે, એમ કાર્યકરોએ દાવો કર્યો હતો.

અજય ચૌધરીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મેં આ કામ કર્યું છે ત્યારે જો શિંદે જૂથ આ રીતે ઉદઘાટન કરશે તો અમે તેનો વિરોધ કરીશું. અગાઉ પણ પ્રભાદેવી વિસ્તારમાં ગણેશ વિસર્જન વખતે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. દાદરમાં પણ બંને જૂથો સામસામે આવી ગયા હતા. આ સમયે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે હવામાં ગોળીબાર કર્યાનો આરોપ મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...