થાણેના સંસદસભ્ય રાજન વિચારેએ તેમના જાનને જોખમ હોવાનું જણાવીને સુરક્ષા કવચને પુનઃસ્થાપિત કરવા માટે મુંબઈ હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે વિચારે સંકળાયેલા છે. તેમણે પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે અને દાવો કર્યો છે કે તેમને ડરાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા રાજકીય ફાયદા માટે મારા જાનને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, એવો દાવો કર્યો છે.
અરજીમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર પોલીસને પ્રતિવાદી તરીકે બતાવવામાં આવ્યા છે. વિચારેએ દાવો કર્યો છે કે તેમને આપવામાં આવેલું સુરક્ષા કવચ ઘટાડીને એક કોન્સ્ટેબલ જ રાખવામાં આવ્યો છે. મારા પરિવાર માટે આ ખતરારૂપ છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે સાંસદો અથવા ધારાસભ્યોના અંગત સહાયકોને મુખ્ય મંત્રીની નિકટતાના કારણે જ સુરક્ષા આપવામાં આવી રહી છે. પોતાની સુરક્ષા ઉપરાંત, વિચારેએ એવી પણ વિનંતી કરી કે નિર્ભયા ફંડ હેઠળ મેળવેલાં તમામ પોલીસ વાહનો મુંબઈ પોલીસને પરત કરવામાં આવે.
તેમણે દાવો કર્યો હતો, કે આ વર્ષે જૂનમાં મુંબઈ પોલીસે 220 મહિન્દ્રા બોલેરો, 35 મારૂતિ અર્ટિગા, 313 બજાજ પલ્સર મોટરસાઈકલ અને 200 હોન્ડા એક્ટિવા ટુ-વ્હીલરની ખરીદી કરી હતી જે માટે તેણે મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડ હેઠળ મળેલી રૂ. 30 કરોડની રકમનો ઉપયોગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.