શિવસેના અને ભાજપ વચ્ચે જંગ:ઠાકરે - ફડણવીસ વચ્ચે વર્ચસ્વની લડાઈ, 29 વિધાનસભ્ય નિર્ણાયક; હોર્સ ટ્રેડિંગ પણ નકારી શકાય નહીં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યસભાની ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પૂરી થઈ ગઈ છે અને હવે શિવસેના અને ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો છે કે ભાજપ રાજ્યસભાની છઠ્ઠી બેઠક જીતશે, જ્યારે સંજય રાઉતે શિવસેના જ જીતશે એવો દાવો કર્યો છે, પરંતુ 11 નાના પક્ષ સહિત કુલ 29 વિધાનસભ્યો રાજ્યસભાની છઠ્ઠી બેઠકમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

રાજ્યસભા માટે શુક્રવારે અંતિમ દિવસે કોઈ ઉમેદવારે પીછેહઠ નહીં હોવાથી હવે શિવસેનાના સંજય પવાર અને ભાજપના ધનંજય મહાડિક વચ્ચે સીધો જંગ ખેલાશે. બંને પક્ષો દાવો કરે છે કે તેઓ જીતશે. દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મહાડિકને રાજ્યસભાની ટિકિટ આપીને ઠાકરેને પડકાર ફેંક્યો છે, પરંતુ આખી રમત વાસ્તવિક મતદાનના દિવસે શું થશે તેની પર નિર્ભર છે.

રાજ્યમાં નાના પક્ષો અને અપક્ષોના 29 વિધાનસભ્ય છે, પરંતુ કેટલાક એવા વિધાનસભ્યો પણ છે જેઓ ફડણવીસનાં તમામ સમીકરણો બગાડી શકે છે. કુલ 29 ધારાસભ્યો કોણ છે. તેમાંથી કયા ધારાસભ્યો ઠાકરેની નજીક છે અને ફડણવીસના સમીકરણો કયા ધારાસભ્યો પર નિર્ભર છે તે જાણવા જેવું છે.

સંખ્યાઓની દ્રષ્ટિએ ગણિત
વિધાનસભામાં ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરે છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્યોની વર્તમાન સંખ્યા પ્રમાણે ભાજપના બે ઉમેદવાર સરળતાથી જીતી શકે છે. આ જ રીતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના એક-એક ઉમેદવાર સરળતાથી જીતી શકે છે. શિવસેના અને એનસીપી વધારાના મતો અને મહાવિકાસ આઘાડીને ટેકો આપતા અપક્ષોના બળ પર છઠ્ઠી બેઠક જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ભાજપને પણ છઠ્ઠી બેઠક જીતવા માટે લગભગ 13 મતની જરૂર છે.

કોની પાસે કેટલા મત?
રાજ્યસભાની કુલ છ બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ ઠાકરે અને ફડણવીસ બંનેએ માત્ર એક જ બેઠક માટે પોતાની પ્રતિષ્ઠા દાવ પર મૂકી છે, કારણ કે સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે ત્રીજો ઉમેદવાર આપીને શિવસેનાને હચમચાવી નાખી છે. શિવસેનાના સંજય પવાર માટે ચૂંટાઈ આવવાનો પડકાર છે. દરેક રાજ્યસભાના સાંસદ ચૂંટાવા માટે 42 વોટની જરૂર હોય છે. અપક્ષ અને નાના પક્ષના ધારાસભ્યો આમાં કિંગમેકર બનશે. આને કારણે ઠાકરે તથા ફડણવીસનું વર્ચસ, રાજ્યમાંથી 29 ધારાસભ્યો નક્કી કરવા જઈ રહ્યા છે.

શિવસેના પાસે 16નું સમર્થન
મહારાષ્ટ્રમાં, બહુજન વિકાસ આઘાડી, એમઆઈએમ, સમાજવાદી પાર્ટી, પ્રહાર જનશક્તિ અને અન્ય 11 પક્ષો પાસે કુલ 16 ધારાસભ્યો છે. આ તમામ શિવસેનાની નજીકના છે અથવા તો તેઓ શિવસેનાને સમર્થન આપી ચૂક્યા છે. આમાં બહુજન વિકાસ આઘાડી - 3, સમાજવાદી પાર્ટી - 2, એમઆઇએમ -2, પ્રહાર જનશક્તિ - 2, સ્વાભિમાની - 1, ક્રાંતિકારી શેતકરી પક્ષ - 1નો સમાવેશ થાય છે.

હિતેન્દ્ર ઠાકુરના ત્રણ ધારાસભ્યો કોની પાસે જાય છે તે અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ શિવસેનાને સમાજવાદી પાર્ટીના બે, પ્રહાર જનશક્તિના બે, સ્વાભિમાનીમાંથી એક અને ક્રાંતિકારી શેતકરીના શંકરરાવ ગડાખના એક મત મળે તેવી પ્રબળ શક્યતા છે. શંકરરાવ ગડાખને શિવસેનાએ રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા, આ ઉપરાંત સ્વાભિમાનીના એકમાત્ર ધારાસભ્ય દેવેન્દ્ર ભુયાર પણ મહાવિકાસ આઘાડીને વફાદાર છે. આ સિવાય 11 અપક્ષ ધારાસભ્ય છે, જે બધા ભાજપને સમર્થન આપે કે નહીં તે વિશે શંકા છે.

સમીકરણોના માસ્ટરમાઈન્ડ કોણ?
અપક્ષ ધારાસભ્યોમાં રવિ રાણાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત કેટલાક એવા ધારાસભ્યો છે જે ફડણવીસની નજીક છે, પરંતુ કિંગમેકરની ભૂમિકામાં 29 ધારાસભ્યોને કારણે મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગ શક્યતા નકારી શકાય તેમ નથી. દેવેન્દ્ર ફડણવીસ આ સમીકરણોના માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. તેમણે જ ઉમેદવાર ઉતારવાનું નક્કી કરીને ચૂંટણીમાં ગરમાટો લાવી દીધો છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે તેમની પાસે કોઈક તો ગણિત છે, જેને આધારે તેમણે આ દાવ રમ્યો છે. આથી ઠાકરે અને ફડણવીસ માટે આ વર્ચસની લડાઈ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...