ભાસ્કર વિશેષ:મુંબઈમાં 15 મહિના માટે ખાડા બુઝાવવા ટેંડર જારી

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા જિયોપોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રિટ પદ્ધતિનો ઉપયોગ

મુંબઈના રસ્તા પર મૂશળધાર વરસાદના કારણે પડતા ખાડા બુઝાવવા મહાપાલિકા પ્રશાસને જિયોપોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રિટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર આગામી પંદર મહિનાના સમયગાળા માટે ખાડા બુઝાવવા મહાપાલિકા પ્રશાસને ટેંડર જારી કર્યા છે. મુંબઈ મહાનગરમાં છેલ્લા થોડા દિવસમાં પડેલા મૂશળધાર વરસાદને કારણે ડામરના રસ્તાઓ પર ખાડા પડ્યા છે. આ ખાડા તરત બુઝાવવામાં આવે છે છતાં સતત મૂશળધાર વરસાદ અને વાહનવ્યવહારના તાણના લીધે કોલ્ડમિક્સ જેવી પારંપારિક ટેકનોલોજીના ઉપયોગ પર મર્યાદા આવે છે.

તેથી ખાડા બુઝાવ્યા પછી થોડા સમયમાં નવેસરથી ખાડા પડે છે. આ પાર્શ્વભૂમિ પર અતિરિક્ત મહાપાલિકા આયુક્ત પી.વેલરાસુએ ખાડા બુઝાવવા માટે નવી અને અદ્યતન એન્જિનિયરીંગ સિસ્ટમની ટેસ્ટ કરવી એવો નિર્દેશ રસ્તા વિભાગને આપ્યો હતો.પી. વેલરાસુના નિર્દેશ અનુસાર ઉપાયુક્ત ઉલ્હાસ મહાલેની દેખરેખ હેઠળ રસ્તા વિભાગે દયાશંકર ચોક, મુંબઈ પોર્ટ ટ્રસ્ટના રસ્તા તેમ જ આણિક-વડાલા માર્ગ પર જુદી જુદી ટેકનોલોજીનું પરીક્ષણ કર્યું.

એમાં રેપિડ હાર્ડનિંગ કોંક્રિટ, એમ 60 કોંક્રિટ ભરીને એના પર સ્ટીલ પ્લેટ પાથરવી, જિયોપોલિમર કોંક્રિટ અને પેવર બ્લોક એમ ચાર પદ્ધતિની ટેકનોલોજીનું પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કર્યું હતું.એ પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં મહાપાલિકાના રસ્તા વિભાગની કયાસ બેઠક લેવામાં આવી

મહાપાલિકા કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં રસ્તા પર પડેલા ખાડા બુઝાવવા માટે થઈ રહેલાં પ્રયત્નોની તેમ જ નવી ટેકનોલોજીના પરીક્ષણ બાબતે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. એ સમયે રસ્તા પરના ખાડા ઝટ બુઝાવીને વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવા કાયમીસ્વરૂપી સારો વિકલ્પ અમલમાં મૂકવો એવો નિર્દેશ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

5 કરોડ રૂપિયાના ખર્ચના 5 ટેંડર
મુંબઈ મહાપાલિકા પ્રશાસને રેપિડ હાર્ડનિંગ કોંક્રિટ અને જિયોપોલિમર એમ બે નવી અને અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કરીને રસ્તા પરના ખાડા બુઝાવવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો એમ ત્રણેય વિભાગ મળીને 5 કરોડ રૂપિયાના ખર્ચના 5 ટેંડર જારી કરવામાં આવ્યા છે. આગામી પંદર મહિનાના સમયગાળા માટે આ ટેંડર દ્વારા કોન્ટ્રેક્ટર નિયુક્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...