રૂ. 420 કરોડની કથિત કરચોરીના કેસમાં કાળાં નાણાં ધારા 2015ને પૂર્વલક્ષી રીતે લાગુ કરીને ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે કાર્યવાહી કરવાના આવકવેરા વિભાગના પગલાં સામે મુંબઈ હાઈ કોર્ટે સોમવારે પ્રશ્ન કર્યો હતો.
આઈટી દ્વારા અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીને જારી કરાયેલી કારણ દર્શાવો નોટિસ સામે અંબાણીએ દાખલ કરેલી અરજીની જસ્ટિસ ગૌતમ પટેલ અને એસ જી દિગેની ખંડપીઠે સુનાવણી કરતાં આ મામલામાં એટર્ની જનરલ ઓફ ઈન્ડિયાને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે.હાઈ કોર્ટે આ સાથે સુનાવણી 20 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખી હતી અને સપ્ટેમ્બર 2020ના આદેશને વિસ્તારતાં આગામી સુનાવણી સુધી અંબાણી સામે કોઈ પણ સખત પગલાં નહીં લેવા માટે આઈટીને નિર્દેશ આપ્યા હતા.
સ્વીસ બેન્ક ખાતાંઓમાં રૂ. 814 કરોડ મૂલ્યનાં અઘોષિત ભંડોળ પર રૂ. 420 કરોડની કથિત કરચોરી સંબંધમાં 8 ઓગસ્ટ, 2022ના રોજ આઈઠી દ્વારા જારી કારણ દર્શાવો નોટિસને અંબાણીએ પડકારી છે, જેની સુનાવણી સોમવારે લેવાઈ હતી.આઈટીની નોટિસમાં અંબાણીને બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને અસ્કયામતો) ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ ‘ઈચ્છાપૂર્વક’ કરચોરી કરી હોવાનો આરોપ મૂક્યો છે. આ કલમો હેઠળ ગુનો સાબિત થવા પર દંડ સાથે 10 વર્ષની કેદની મહત્તમ સજા છે. આઈટીની નોટિસમાં એવો આરોપ પણ કરાયો છે કે અંબાણીએ સ્વીસ બેન્કોમાં પોતાનાં ભંડોળની માહિતી “જાણીબૂજી’’ને ભારતીય કર પ્રશાસનને આપી નહોતી.
અંબાણીની અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે કથિત લેણદેણ આકલન વર્ષ 2006-2007ની છે, જ્યારે કાળાં નાણાં ધારા 2015માં અમલી બન્યો હોવાથી આરોપનો કોઈ અર્થ નથી. આથી ખંડપીઠે આ વિશે આઈટી વિભાગને પ્રશ્ન કર્યો હતો.ખંડપીઠે જણાવ્યું કે એક વ્યક્તિ અમુક રીતે વર્તે તો તમે (સરકાર) પૂર્વલક્ષી અસર સાથે તેને ગુનો ગણો છો. આવા સંજોગોમાં તે વ્યક્તિએ કેવું વર્તન કરવું જોઈએ? તમે એમ કહી શકો કે હવે પછી આવી કૃતિ તે વ્યક્તિ નહીં કરી શકે તો ચાલશે, પરંતુ તેને પૂર્વલક્ષી રીતે અમલી કઈ રીતે કરી શકાય? તમે ચોક્કસ કૃતિ ક્યારથી ગુનો બને છે તે માટે સમયગાળો નક્કી કરી શકો છો, એમ પણ ખંડપીઠે નોંધ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.