તપાસ:શિક્ષક પાત્રતા પરીક્ષામાં ગોટાળો; 7800 વિદ્યાર્થી બોગસ રીતે પાત્ર

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બધા બોગસ વિદ્યાર્થીઓને અપાત્ર ઠરાવવાનો આદેશ
  • નોકરીમાં જોડાઈ ગયા છે તેમની શોધ શરૂ કરવામાં આવી

રાજ્યમાં ખળભળાટ મચાવનાર શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) ગોટાળાની વ્યાપ્તિ વધી રહી છે. પરીક્ષા પાસ કરી આપવા માટે 7800 વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 1.50થી રૂ. 2 લાખ લેવામાં આવ્યા હતા એવું હવે બહાર આવ્યું છે. 2019માં થયેલી ટીઈટી પરીક્ષામાં 7800 વિદ્યાર્થીઓ બોગસ રીતે પાત્ર ઠર્યા હોવાનું પુણે સાઈબર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ પરિષદ દ્વારા આ 7800 બોગસ શિક્ષકોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હોઈ તેમનીયાદી રાજ્યના દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓ પાસે મોકલવાં આવશે. આ બધા શિક્ષકોને અપાત્ર ઠરાવવામાં આવશે અને તેમનાં પ્રમાણપત્ર રદ કરવામાં આવશે.આ સાથે તેમને હવે પછી આ પરીક્ષા આપવાની મનાઈ કરવામાં આવી છે. આ 7800માંથી નોકરીમાં કોણ જોડાઈ ગયા છે તેની પણ શોધ કરવામાં આવશે. શિક્ષક તરીકે નોકરી કરનારા આ શિક્ષકોને સેવામાંથી બરતરફ કરવામાં આવશે એવી સૂચના શિક્ષણ સંચાલક દ્વારા આપવામાં આવી છે.

2019માં 16,705 વિદ્યાર્થીઓએ ટીઈટી પરીક્ષા આપી હતી. તેમાંથી 7800 વિદ્યાર્થી પૈસા આપીને પાસ થયા હોવાનું બહાર આવ્યું છે. આથી હવે રાજ્યનાં અલગ અલગ શહેરમાં અને ગામમાં બોગસ પદ્ધતિથી ભરતી થઈને નોકરી કરી રહેલા શિક્ષકોની હાલત કફોડી થવાની છે.2019મીજેમ 2018માં પણ લેવામાં આવેલી ટીઈટી પરીક્ષામાં પણ ગેરરીતિ થયાનું બહાર આવ્યું હોઈ તેની પણ તપાસ પુણે સાઈબર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે 2013થી શિક્ષક પાત્રતા પરીક્ષામાં પાસ થયેલા બધા શિક્ષકોનાં પ્રમાણપત્ર તપાસવામાં આવશે.

કોની ધરપકડ કરાઈ છે
આ મહાગોટાળામાં પોલીસે શિક્ષણ પરિષદના માજી અધ્યક્ષ તુકારામ સુપે, શિક્ષણ પરિષદના માજી કમિશનર સુખદેવ ઢેરે સાથે ટીઈટી પરીક્ષા લેવાની જવાબદારી જેની પર હતી તે જી એ ટેકનોલોજીના પ્રમુખ પ્રિતેશ દેશમુખ સાથે અનેકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગની ભરતીની પરીક્ષાના પેપર ફૂટ્યા બાદ તપાસ કરતી વખતે પુણે સાઈબર પોલીસને મ્હાડા પરીક્ષામાં પણ પેપર ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મ્હાડાના પેપર કઈ રીતે ફૂટ્યા તેની તપાસ કરતી વખતે ટીઈટી પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. 2018ની પરીક્ષામાં આપનારા ઉમેદવારોને પણ મોટી સંખ્યામાં અપાત્ર ઠરાવવામાં આવશે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...