રાજ્યમાં છઠ્ઠી રાજ્યસભા સીટ પર ચૂંટણી લડવા ભાજપ અને મહાવિકાસ આઘાડી મક્કમ હોવાથી હોર્સ ટ્રેડિંગ રોકવા આઘાડીના તમામ ધારાસભ્યોને એક હોટેલમાં પહોંચવાનું કહેવામાં આવ્યું છે. શિવસેનાના એક ધારાસભ્યએ જણાવ્યું કે, પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને 8 જૂન સુધી હોટેલમાં રોકાવા જણાવ્યું છે. શિવસેનાના ધારાસભ્યો સાથે આઘાડીના તમામ ધારાસભ્યોને પણ આ સૂચના આપવામાં આવી છે.
અમે પાર્ટીની સૂચનાઓનું પાલન કરીશું, એમ ધારાસભ્યએ કહ્યું. હતું. આઘાડીના મંત્રી ઇચ્છતા હતા કે, ભાજપ તેના ઉમેદવારને પાછો ખેંચી લે, જેથી ચૂંટણી બિનહરીફ યોજાય, પરંતુ આઘાડી અને ભાજપી નેતાઓ વચ્ચે છઠ્ઠી બેઠક માટે સમજૂતી નહીં થઈ શકતાં લડત નિશ્ચિત છે.
મહારાષ્ટ્રમાં બે દાયકામાં પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણી લડવામાં આવી રહી છે. આ પહેલાં રાજ્યસભાની ચૂંટણીઓ સામાન્ય રીતે બિનહરીફ થતી હતી. શિવસેના પાસે 55, કોંગ્રેસ પાસે 44 અને એનસીપીના 54 ધારાસભ્યો છે, જેમાંથી બે ધારાસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે.2019માં રાજ્યમાં આઘાડી સરકારની રચના દરમિયાન, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ધારાસભ્યોને અલગ-અલગ ફાઇવસ્ટાર હોટેલોમાં રાખવામાં આવ્યા હતા. શિવસેનાના એક નેતાએ કહ્યું, 10 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી હોવાથી, અમે શિવસેનાના તમામ ધારાસભ્યોને અને તેના સહયોગીઓને દક્ષિણ મુંબઈમાં એક હોટેલમાં એકત્ર રહેવાની સલાહ આપી છે, જેથી એક સામાન્ય વ્યૂહરચના અને વધુ સારું સંકલન થઈ શકે.
હકીકતમાં ભાજપ ખેલ પાડવાનો પ્રયાસ કરી શકે છે એવો શિવસેનાને ડર છે. રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે આઘાડીના પ્રતિનિધિઓ ઇચ્છે છે કે ભાજપ તેના ત્રીજા ઉમેદવારને પાછો ખેંચી લે અને બદલામાં, તેઓએ કહ્યું કે તેને વિધાન પરિષદની ચૂંટણીમાં પાંચમી બેઠક આપવામાં આવશે. પાટીલે કહ્યું કે આ તેમની પાર્ટી માટે અસ્વીકાર્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.