ભાસ્કર વિશેષ:નવ વર્ષની બાળકીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ, કોવિડગ્રસ્ત બાળકી ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી બીમારીથી પીડાતી હતી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડગ્રસ્ત નવ વર્ષની બાળકી પર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મુંબઈની હોસ્પિટલને સફળતા મળી છે. બાળકી ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી નામે બીમારીને કારણે હાર્ટ ફેલ્યોરથી પીડાતી હતી. આ સર્જરી મસિના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. ઝૈનુલાબેદ્દીન હમદુલે અને ડૉ. વિશાલ પિંગળેના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. 5 કલાક ચાલેલી સર્જરીમાં બાળ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઇ હતી અને બીજા દિવસે તેને વેન્ટિલેટર પરથી ઉતારી દેવામાં આવી હતી. બાળકીને દસમા દિવસે રજા આપવામાં આવી હતી.

બાળકી એક વર્ષથી વધુ સમયથી શ્વાસની તકલીફથી પીડાતી હતી. તેને શ્વાસ લેવામાં બેસુમાર તકલીફ પડતી હતી અને સભાનતા ગુમાવી દેતી હતી, તેથી બહુવિધ ઉપાયની જરૂર હતી. વધુ તપાસમાં કોવિડ-19ના ચેપ પછીના પ્રાથમિક કારણ તરીકે શંકાસ્પદ ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી સાથે હૃદયની ગંભીર તકલીફ હોવાનું નિદાન થયું હતું. તેના કોવિડ-19 એન્ટિબોડીઝ પોઝિટિવ હોવાનું જણાયું હતું.તેની સ્થિતિ વધુ બગડતી જતી હોવાથી, તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી અને ડો. ઝૈનુલાબેદ્દીન હમદુલેના માર્ગદર્શન હેઠળ મસિના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી રાષ્ટ્રીય યાદીમાં સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

છ મહિનાની રાહ જોયા પછી તેને યોગ્ય દાતા મળી, જે વડોદરાની બ્રેઈન ડેડ દર્દી હતી.સર્જરી વિશે બોલતાં, કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરાસિક સર્જન, ડૉ. ઝૈનુલાબેદ્દીન હમદુલેએ જણાવ્યું હતું કે, “ઉત્તમ ટીમ વર્ક સાથે, પાંચ કલાકની કપરી સર્જરી, ત્યાર પછી અમારા સઘન સંભાળ એકમમાં ઓપરેશન પછીની સારસંભાળ દ્વારા અમે આ બાળ દર્દી માટે સફળ પરિણામ પ્રાપ્ત કરી શક્યા.

હૃદય પ્રત્યારોપણના ઘણા બાળકો સર્જરીમાંથી સાજા થયા પછી સામાન્ય, સ્વસ્થ જીવન જીવે છે.”“ઉપરાંત, હું આ બાળકીનો જીવ બચાવવા બદલ દાતાના પરિવારનો આભાર માનું છું. તેમની વહાલી દીકરીના હૃદયનું બીજાના જીવનને બચાવવા માટે દાન કરવું તે ચોક્કસપણે ખૂબ જ માનવીય અને આદરણીય કાર્ય હતું, જેણે સમયના પ્રકરણોમાં દાખલો બેસાડ્યો છે,’’ એમ તેમણે વધુમાં કહ્યું હતું.

કોવિડ પછી ફેફસામાં ચેપ
હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડો. વિશાલ પિંગળેએ જણાવ્યું હતું કે “કોવિડ-19 પછી ફેફસામાં ચેપ લાગવો એ બહુ સ્વાભાવિક છે. ચિકિત્સકોએ કોવિડ-19 સંબંધિત હ્રદપેશી શોથ (માયોકાર્ડિટિસ) વિશે વાકેફ હોવું જોઈએ અને આ જટિલતાઓ માટે દર્દીઓનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ જેથી આપણે તેના પ્રારંભિક તબક્કામાં હૃદયની નિષ્ફળતાને ઓળખીને સારવાર કરી શકીએ.”

અન્ય સમાચારો પણ છે...