રાજ્યમાં ગણેશોત્સવનું ઐતિહાસિક મહત્ત્વ હોઈ કોરોના સંક્રમણ પછી આ વખતે શિંદે- ફડણવીસ સરકારે બધાં જ નિયંત્રણો હટાવી દેતાં ઉત્સવ ધામધૂમથી ઊજવવા માટે કાર્યકરો સજ્જ થયા છે. પ્રશાસને પણ જોરદાર તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને ગણપતિ મંડળો સાથે ભાવિકો આનંદથી ઉત્સવ મનાવી શકે તે માટે પાંચ દિવસ રાત્રે 12.00 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે.દર વર્ષે ગણપતિ મંડળોને લેવી પડતી વિવિધ પરવાનગીઓ હવે પાંચ વર્ષમાં એક જ વાર લેવી પડશે. મહાપાલિકા મંડપ શુલ્ક માફ કરવામાં આવ્યું છે.
ઉપરાંત વન વિંડો યોજના અંતર્ગત બધી પરવાનગીઓ આપવામાં આવશે. આથી આ વખતનો ગણેશોત્સવ ધામધૂમથી ઊજવતી વખતે નિયમોનું પણ પાલન કરવું, એવો અનુરોધ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે રાત્રે કર્યો હતો.પુણે પોલીસ કમિશનરેટમાં આયોજિત ગણેશોત્સવ પદાધિકારી બેઠકમાં શિંદે બોલતા હતા. આ સમયે જિલ્લાધિકારી ડો. રાજેશ દેશમુખ, મહાપાલિકા કમિશનર વિક્રમ કુમાર, પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા, એસપી ડો. અભિનવ દેશમુખ સાથે વિવિધ મંડળના પદાધિકારી હાજર હતા.
પારંપરિક વાદ્યોને પરવાનગી: દરમિયાન વિસર્જન સમયે બીજા દિવસે સવારે 6.00 વાગ્યા સુધી મંડળોને પારંપરિક વાદ્ય વગાડવા માટે પરવાનગી આપવામાં આવી છે. પોલીસોને પારંપરિક વાદ્યો વગાડનાર પર કાર્યવાહી નહીં કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્સવમાં નાગરિકોને ત્રાસ નહીં થાય, વાહનવ્યવહારમાં અવરોધ પેદા નહીં થાય તેની કાળજી મંડળોએ લેવી એવી સૂચના શિંદેએ મંડળોને આપી છે.
ગણેશમૂર્તિ ઊંચાઈનું બંધન નથી
શિંદેએ જણાવ્યું હતું કે કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષ વિવિધ ઉત્સવમાં અવરોધ આવ્યો હતો. હવે કોરોના લગભગ ખતમ થયો હોઈ સાર્વજનિક ગણેશોત્સવ, દહીંહંડી પરનાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યાં છે. મુખ્યત્વે ગણપતિ મૂર્તિની ઊંચાઈનું બંધન નથી. વન વિંડો દ્વારા વિવિધ પરવાનગી આપવામાં આવી રહી છે. આ સાથે મંડપ શુલ્ક માફ, વીજ મીટર પરવાનગી બાબતે જિલ્લાધિકારીએ મંડળોને સહયોગ કરવાની સૂચના તેમણે આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.