સારવાર:ઈજાગ્રસ્ત દંપતીનાં મહત્ત્વનાં પરિમાણોને સ્થિર કરાઈ રહ્યાં છે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પરિમાણો સ્થિર થયા પછી શસ્ત્રક્રિયા કરાશે

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું બે દિવસ પૂર્વે કાર દુર્ઘટનામાં મોત થયું તેમાં ગંભીર રીતે ઘાયલ મિસ્ત્રીનાં મિત્ર ડો. અનાહિતા પંડોલે અને તેમના પતિ દરાયુસ પંડોલેનાં મહત્ત્વનાં પરિમાણોને ડોક્ટરો દ્વારા સ્થિર કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં પ્રાર્થના સમાજ ખાતે સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિલમાં તેમની પર સારવાર ચાલી રહી છે.

બંનેને ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં રાખવામાં આવ્યાં છે. સોમવારે રસ્તા માર્ગે એમ્બ્યુલન્સથી લાવીને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. હાલમાં તેમનાં મહત્ત્વનાં પરિમાણોને સ્થિર કરવામાં આવી રહ્યાં છે, જે કોઈ પણ દર્દી પર શસ્ત્રક્રિયા કરવા પૂર્વેની સામાન્ય પ્રક્રિયા છે. આ પછી ડોક્ટરોની ટીમ શસ્ત્રક્રિયા અંગેનો નિર્ણય લેશે, એમ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.

બિઝનેસમેન દરાયુસ કારની આગળની સીટ પર બેઠેલા હતા અને તેમનાં ગાયનેકોલોજિસ્ટ પત્ની ડો. અનાહિતા વાહન ચલાવતાં હતાં. રવિવારે બપોરે પાલઘર જિલ્લામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આગળ બેઠેલા આ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.દંપતી અને મિસ્ત્રી તથા તેમને અન્ય એક મિત્ર ગુજરાતમાં અમદાવાદથી રવિવારે મુંબઈ તરફ આવી રહ્યા હતા. મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠેલા હતા. આ દુર્ઘટનામાં તેમનાં મોત થયાં હતાં.

દરાયુસ અને તેમનાં પત્નીને સૌપ્રથમ ગુજરાતના વાપી શહેરની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. અનાહિતાને નિતંબમાં ફ્રેક્ચર છે, જ્યારે દરાયુસના જડબામાં ફ્રેક્ચર હોઈ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, એમ ડોક્ટરોએ અગાઉ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...