ઈન્ફેક્શનનો ફેલાવો:મુંબઈમાં બે અઠવાડિયામાં જ આંખોના ઈન્ફેક્શનનો ફેલાવો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં હવામા રહેલો ભેજ સંસર્ગજન્ય રોગ માટે કારણભૂત છે

મુંબઈમાં છેલ્લા બે અઠવાડિયામાં આંખોનું ઈન્ફેક્શન (કન્જકટીવાઈટીસ) એટલે આંખો આવવાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. મહાપાલિકાની મુરલી દેવરા આઈ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં આંખ આવી હોય એવા લગભગ 300 જેટલા દર્દીની સારવાર કરવામાં આવી છે. આ બાબત ધ્યાનમાં લેતા નાગરિકોએ યોગ્ય તકેદીરા રાખવી અને આંખમાં ત્રાસ થાય તો તરત આંખના નિષ્ણાત ડોકટર પાસે જઈને સારવાર કરાવવી તથા દવા લેવી એવી હાકલ મુંબઈ મહાપાલિકા પ્રશાસન તરફથી કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ કરી છે.

આઈ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર વર્ષા રોકડેએ આંખના ઈન્ફેક્શનની માહિતી આપતા જણાવ્યું કે ચોમાસામાં હવામાં ભેજ વધે એટલે સંસર્ગજન્ય રોગ માટે પોષક બને છે. તેથી દર વર્ષે આ સમયગાળામાં બીજા રોગની સાથે આંખના ઈન્ફેક્શનનો ફેલાવો થાય છે. એમાં શરૂઆતમાં એક આંખમાં ઈન્ફેક્શન થાય છે અને એ પછી બીજી આંખમાં પણ થાય છે.

આંખમાં કંઈક ગયું હોય એવું લાગે છે અને આંખમાંથી સતત પાણી વહે છે. આંખ લાલ થઈ જાય છે. આ લક્ષણ એક પછી એક બંને આંખમાં દેખાય છે. ઘણી વખત આંખમાંથી ચીકણુ પ્રવાહી બહારની બાજુએ જમા થાય છે. આંખને અંદરથી સોજા આવે છે. આંખમાં ખંજવાળ આવે છે. આંખ ભારી લાગે છે અને તીવ્ર પ્રકાશ સહન થઈ શકતો નથી. આવા ઈન્ફેક્શનના કારણે કેટલાક લોકોને તાવ પણ આવે છે. અત્યારે આ તાવનું કારણ વાયરસ છે એમ જણાયું છે. દરમિયાન આંખના ઈન્ફેક્શનવાળા દર્દીઓ વધી રહ્યા હોવાથી મુંબઈ મહાપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ મુંબઈના નાગરિકોને યોગ્ય ધ્યાન રાખવાનું જણાવ્યું છે. આંખ આવી રહી છે એવા લક્ષણ દેખાય એટલે તરત સારવાર શરૂ કરવી એવી હાકલ તેમણે કરી છે.

આંખ આવે તો શું ધ્યાન રાખવું?
આંખ આવી હોય તો આંખને સતત હાથ લગાડવો નહીં. આંખોને સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી. આંખ લુસવા માટે સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરવો અને આંખને વારંવાર સ્પર્શ કરવો નહીં. કુટુંબના બીજા સભ્યોને ઈન્ફેક્શન ન થાય એ માટે આંખ આવી હોય એટલો સમય કુટુંબથી દૂર સુરક્ષિત અંતર રાખવું. કોઈ પણ પ્રકારના ઘરગથ્થુ ઈલાજ ન કરવા અને ડોકટર કે આઈ સ્પેશ્યલિસ્ટની સલાહ લેવી. તેમની સલાહ અનુસાર યોગ્ય સારવાર કરવી અને દવા લેવી. યોગ્ય સારવારથી પાંચ-છ દિવસમાં આંખ સાજી થાય છે. એક વખત આંખ આવી જાય પછી ફરીથી ઈન્ફેક્શન થતું નથી એવી ગેરસમજ છે. તેથી બેદરકારી રાખવી નહીં. મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલમાં આંખના ઈન્ફેક્શનની સારવાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...