કોર્ટનો આદેશ:મની લોન્ડરિંગ કેસમાં સાંસદ સંજય રાઉતને વિશેષ કોર્ટે જામીન આપ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાઉતના સહયોગી અને સહ-આરોપી પ્રવીણ રાઉતને પણ જામીન

ગોરેગાવ પશ્ચિમમાં પતરા ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ઉદ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતને વિશેષ કોર્ટે બુધવારે જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ઉપલી કોર્ટમાં અપીલમાં જવા માટે આદેશ સામે શુક્રવાર સુધી સ્ટે આપવાની કરાયેલી અરજી કોર્ટે નકારી કાઢી હતી, જેને લીધે રાઉતનો બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે.

31 જુલાઈએ રાઉતની ધરપકડ કરાઈ હતી, જે પછી છેલ્લા તેઓ આર્થર રોડ જેલમાં હતા.આ સાથે રાઉતના સહયોગી અને આ કેસમાં સહ- આરોપી પ્રવીણ રાઉતને પણ કોર્ટે જામીન આપ્યા હતા. ઈડીના વકીલે જણાવ્યું કે જામીન આદેશ રદ કરવા માટે અમે અપીલ કરવા માગીએ છીએ. આદેશ પર વચગાળાના સ્ટે માટે હાઈ કોર્ટની સિંગલ બેન્ચમાં અરજી કરીશું. બીજી બીજુ રાઉતના વકીલે જણાવ્યું કે મારા અસીલ જેલની બહાર આવે તે માટે જરૂરી વિધિઓ પૂરી કરશે.

અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) સંબંધી કેસની સુનાવણી કરવા નિયુક્ત વિશેષ જજ એમ જી દેશપાંડેએ બંને બાજુઓની દલીલો સાંભળ્યા પછી રાઉતની જામીન અરજી મંજૂર કરી હતી. ઈડીએ જોકે શુક્રવાર સુધી આદેશનો અમલ નહીં કરવા અરજી કરી હતી. અમને આદેશ વાંચવા સમય જોઈએ છીએ. અમારી વિનંતી ગેરવાજબી નથી. આ કોર્ટનો આદેશ છે.

તેને પછીની તારીખે પણ આદેશનો અમલ કરવાની સત્તા છે. મને કોર્ટે અપીલ કરવા તક આપવી જોઈએ, એમ ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું. જોકે કોર્ટે તેમની અરજી નકારી કાઢી હતી.નોંધનીય છે કે પતરા ચાલના રિડેવલપમેન્ટ સંબંધમાં નાણાકીય અનિયમિતતામાં ભૂમિકા માટે ઈડી દ્વારા રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. રાઉત દ્વારા જામીન અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે મારી સામેનો કેસ સત્તાનો દુરુપયોગ અને રાજકીય કાવાદાવાના ભાગરૂપ છે.

ઈડીનો શું આરોપ છે
કંપનીએ ભાડૂતો માટે 672 ફ્લેટ બનાવવાના હતા અને અમુક ફ્લેટ મ્હાડાને આપવાના હતા, જ્યારે બાકી જમીન તે ખાનગી ડેવલપરોને વેચી શકતો હતો. જોકે ભાડૂતોને છેલ્લાં 14 વર્ષમાં એકેય ફ્લેટ મળ્યો નથી, કારણ કે કંપનીએ પતરા ચાલ રિડેવલપ કરી જ નહીં અને જમીન અને એફએસઆઈ અન્ય બિલ્ડરોને રૂ. 1034 કરોડમાં વેચી માર્યા, એવો આરોપ ઈડીનો છે.

ઈડીએ શું કહ્યું હતું
ઈડીએ રાઉતની અરજીનો વિરોધ કરીને કહ્યું કે ગોટાળામાં રાઉતની મુખ્ય ભૂમિકા હતી અને નાણાંનું પગેરું નહીં મળે તે માટે તેમણે પડદાની પાછળ વ્યવહારો કર્યા છે. ઈડીની તપાસ રિડેવલપમેન્ટમાં નાણાકીય ગેરરીતિ અને રાઉતનાં પત્ની અને સહયોગીઓની સંડોવણી ધરાવતી નાણાકીય લેણદેણ સંબંધી છે. પતરા ચાલ તરીકે ઓળખાતું સિદ્ધાર્થનગર 47 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 672 ભાડૂત પરિવારો છે. 2008માં મ્હાડા દ્વારા એચડીઆઈએલની ભગિની કંપની ગુરુ આશિષ કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડને રિડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...