રાજ્યસભાની ચૂંટણીની રસાકસી:નિર્ણાયક ઠરનારા નાના-નાના પક્ષો મુખ્ય મંત્રીને ભીંસમાં લઈ રહ્યા છે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને પછડાટ આપવા મુખ્ય મંત્રીની મેરેથોન બેઠકો

રાજ્યસભાની છ બેઠક માટે 10 જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પક્ષના વિધાનસભ્યો, નેતાઓ સાથે નિર્ણાયક ઠરનારા નાના નાના પક્ષો અને વિધાનસભ્યો સાથે સોમવારે મેરેથોન બેઠકો યોજી હતી. બીજી બાજુ ભાજપ પણ જોરદાર ફિલ્ડિંગ લગાવીને બેઠો છે. વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને કોરોના લાગુ થયો હોવા છતાં ફોન પર સક્રિય થઈ ગયા છે અને એક- એક વિધાનસભ્યોને કોલ કરીને તેમને પોતાની તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે.

બીજી બાજુ આ ચૂંટણીમાં નિર્ણાયક ઠરનારા નાના નાના પક્ષો મુખ્ય મંત્રીને એક યા બીજા મુદ્દા પર ભીંસમાં લઈ રહ્યા છે. શાળા શિક્ષણ રાજ્યમંત્રી અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બચ્ચુ કડુએ જણાવ્યું છે. અમે ભાજપને મતદાન નહીં કરીએ, પરંતુ મહાવિકાસ આઘાડીને પણ છેલ્લી પાંચ મિનિટમાં મતદાન કરીશું. આખા મહારાષ્ટ્રમાં હરભરા ઉત્પાદકોની સંખ્યા એક લાખ છે અને ધાન ઉત્પાદકની સંખ્યા ચારથી પાંચ લાખ છે. હવે કેન્દ્ર સરકાર માલ ખરીદી કરવા હાથ ઉપર કરી રહી છે.

કેન્દ્ર સરકાર ખરીદી નહીં કરે તો એક હેક્ટર દીઠ રૂ. 1000 મદદ હરભરા અને ધાન ઉત્પાદકોને આપવી જોઈએ. આ સંબંધમાં મુખ્ય મંત્રી અને શરગ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવી જોઈએ. આ માટે મુખ્ય મંત્રીએ તાકીદે હાલચાલ કરવી જોઈએ, એવો ઈશારો આપ્યો છે. આ જ રીતે એમઆઈએમે પણ અંતિમ નિર્ણય અમારા પક્ષના હાઈ કમાન્ડ કરશે એમ જણાવ્યું છે. અગાઉ સપાના અબુ અસીમ આઝમીએ મુખ્ય મંત્રી પત્ર લખીને સપાના ઉમેદવાર દ્વારા વારંવાર પત્ર લખવા છતાં કામો થતાં નથી એવો આક્રોશ ઠાલવ્યો હતો.

આટલું ઓછું હોય તેમ હાલમાં શિવસેનાના વિધાનસભ્ય આશિષ જયસ્વાલે ઠાકરેને ઈશારો આપતાં જણાવ્યું કે આઘાડી સરકારમાંના અમુક મંત્રી અપક્ષ વિધાનસભ્યો પાસે ભંડોળ આપતી વખતે કટકી માગે છે. આથી રાજ્યસભાની ચૂંટણીમાં દગોફટકો થવાની શક્યતા નહીં હોવા છતાં ભવિષ્યમાં સરકારને ગંભીર પરિણામ ભોગવવાં પડી શકે છે.

બીજી બાજુ ઠાકરેએ સોમવારે મેરેથોન બેઠકો યોજી હતી, પરંતુ નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યો કઈ રીતે વળશે તે હજુ નિશ્ચિત નહીં હોવાથી તેઓ ટેન્શનમાં છે, જ્યારે ભાજપ આત્મવિશ્વાસ સાથે છઠ્ઠી બેઠક અમે જ જીતીશું એવો દાવો કરી રહ્યો છે.

દેશમુખ અને મલિકના મત
દરમિયાન જેલમાં સબડતા અનિલ દેશમુખ અને નવાબ મલિકના મત પણ આઘાડી માટે મહત્ત્વપૂર્ણ છે. આથી તેમને મતદાનની પરવાનગી મળે તે માટે સોમવારે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસેથી જવાબ મગાવીને સુનાવણી 8 જૂન પર મોકૂફ રાખી છે. આથી આ બેને મત આપવાનો અધિકાર મળશે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે. જો પરવાનગી નહીં મળે તો આઘાડીને બે મત ઓછા પડશે.

શિવસેનાની મત ભેગા કરવા કોશિશ
દરમિયાન શિવસેના તેનો છઠ્ઠો ઉમેદવાર સંજય પવારને જિતાડી લાવવા માટે કોઈ કસર બાકી રાખવા માગતી નથી. રાજ્યસભામાં પાંચ બેઠક પરથી સંબંધિત પક્ષના ઉમેદવાર આસાનીથી ચૂંટણી આવવાના છે. જોકે છઠ્ઠી બેઠક માટે ભાજપ અને શિવસેના વચ્ચે રસાકસી છે, જેમાં નાના પક્ષ અને અપક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેવાની છે. આથી બંને પક્ષ આ અપક્ષોને રીઝવવા માટે સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...