શિંદે- ફડણવીસે સરકારે ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો આપ્યો છે. હવે 2017ની વોર્ડ રચના પ્રમાણે જ રાજ્યની સ્થાનિક સ્વરજ્ય સંસ્થાઓ અને મહાપાલિકાની ચૂંટણી યોજાશે. આથી મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં વધારવામાં આવેલી વોર્ડ રચના રદ કરવામાં આવી છે. આથી મુંબઈમાં અગાઉની જેમ જ 227 વોર્ડ રહેશે.
મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ બુધવારે થયેલી એક બેઠકમાં આ મોટો નિર્ણય લીધો હતો. ખાસ કરીને ઠાકરેની શિવસેના માટે આ મોટો આંચકો માનવામાં આવે છે. 2017ની વોર્ડ રચના ભાજપે પોતાને અનુકૂળ પદ્ધતિથી કરી હતી એવું કહીને શિવસેનાએ નવેસરથી વોર્ડ રચના કરી હતી, જેને લીધે વોર્ડની સંખ્યા 227થી વધીને 236 થઈ હતી. નવી વોર્ડ રચનાથી ખાસ કરીને ભાજપને અનેક બેઠક પર ફટકો પડવાનો હતો. કોંગ્રેસને પણ ફટકો પડવાનો હતો. આથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા નવી વોર્ડ રચનાનો સતત વિરોધ કરવામાં આવતો હતો.
મહાવિકાસ આઘાડી સરકારે વધારેલી વોર્ડની સંખ્યામાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આથી તે રદ કરવામાં આવે છે એવી માહિતી આપવામાં આવી છે. આથી નવી વોર્ડ રચના રદ કરીને તે 2011ની જનસંખ્યા અનુસાર 2017માં વોર્ડની સંખ્યા નક્કી થઈ હતી તે પ્રમાણે જ જાળવી રાખવામાં આવશે. રાજ્યમાં આગામી ચૂંટણીઓ જૂની વોર્ડ રચના પ્રમાણે જ થશે, એ હવે સ્પષ્ટ થઈ ગયું છે, જેને કારણે ખાસ કરીને શિવસેનાને ફટકો પડી શકે છે.
કોંગ્રેસની માગણી માન્ય
નોંધનીય છે કે હજુ મંગળવારે જ મુંબઇમાં કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું અને મુંબઈ મહાપાલિકાના વોર્ડનું નવું સીમાંકન અને વોર્ડની પુનઃરચના રદ કરવામાં આવે એવી માગણી કરી હતી. શિવસેનાનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ કહ્યું કે શિવસેના દ્વારા પોતાના ફાયદા માટે સીમાંકન અને વોર્ડોની કરાયેલી પુન:રચના અનૈતિક અને બંધારણની વિરુદ્ધ છે.
ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ
ઉલ્લેખનીય છે કે શિવસેનાની આગેવાની હેઠળની મુંબઇ મહાપાલિકામાં વોર્ડના આંતરજોડાણ, તેમના પુનર્ગઠન અને સીમાંકન વગેરે દ્વારા મહાપાલિકાના વોર્ડની સંખ્યા 227થી વધારીને 236 કરી હતી. આ વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહાપાલિકાએ ગયા અઠવાડિયે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે બેઠકો અનામત રાખવા માટે લોટરી પણ કાઢી હતી.
દેવરાએ કહ્યું કે મહાપાલિકા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી ધનિક શહેરી સ્થાનિક સંસ્થા છે અને ચૂંટણી નિષ્પક્ષ રીતે થવી જોઈએ. આથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાના ઉદ્દેશ સાથે, અમે ફડણવીસને મળ્યા છીએ અને સીમાંકન અને વોર્ડનું સીમાંકન રદ કરવાની માંગણી કરી છે. દેવરાએ કહ્યું કે બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો અમીન પટેલ, ઝીશાન અહમદ અને રવિ રાજા પણ હાજર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.