ચૂંટણી:10 વિધાનસભ્યના ક્રોસ વોટિંગથી શિવસેનાનો ઉમેદવાર પરાભૂત, રાજ્યસભાની ચૂંટણીનો 11 કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધનંજય મહાડિક - Divya Bhaskar
ધનંજય મહાડિક
  • ​​​​​​​આઘાડીના 3 મતનો મામલો કેન્દ્રીય પંચ સુધી પહોંચ્યો હતો
  • દેવેન્દ્ર ફડણવીસના ખેલથી ત્રણ પક્ષની આઘાડીનું સુરસુરિયું
  • 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી પર અસર થઈ શકે છે

મહારાષ્ટ્રમાં રાજ્યસભા માટે છઠ્ઠી બેઠકની ઉમેદવારીને કારણે જામેલી રસાકસી, આઘાડીના ત્રણ પક્ષો સામે ભાજપના દાવાઓ- પ્રતિદાવાઓ, અપક્ષો અને નાના પક્ષોની ખેંચતાણ, ફોડાફોડીનું રાજકારણ રોકવા છેલ્લા દિવસોમાં વિધાનસભ્યોની ફાઈવસ્ટાર હોટેલમાં મુકામની વ્યવસ્થા અને આઘાડીના ત્રણ તથા ભાજપના બે મત પરથી મામલો સીધો કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી પહોંચવાને લીધે નાટકીય વળાંકો લેતાં લગભગ 11 વાગ્યા સુધી ચાલેલા હાઈ ડ્રામા બાદ ભાજપના ત્રીજા ઉમેદવાર ધનંજય મહાડિક ચૂંટાઈ આવ્યા હતા.

સંજય પવાર
સંજય પવાર

શનિવારે સવારે 4.00 વાગ્યે જાહેર થયેલા પરિણામ અનુસાર મહાઆઘાડીના શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની એકત્રિત શક્તિના જોર પર મેદાનમાં ઊતરેલા શિવસેનાના સંજય પવાર પરાભૂત થઈ ગયા હતા.શિવસેનાના સંજય રાઉત, રાષ્ટ્રવાદીના પ્રફુલ્લ પટેલ, કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી, ભાજપના પીયુષ ગોયલ અને અનિલ બોંડેએ મતોના ક્વોટાને ધ્યાનમાં લેતાં અપેક્ષા મુજબ જીત મેળવી હતી, પરંતુ છઠ્ઠો ઉમેદવાર આપીને ભાજપે ચૂંટણીમાં ઉત્સુકતા વધારી હતી, જે શુક્રવારે સવારથી લઈને શનિવારે સવારે 4.00 વાગ્યા સુધી તણાઈ હતી.

આ મતદાન માટે પોલીસ કસ્ટડીમાં રહેલા આઘાડી સરકારના બે મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકે વિશેષ કોર્ટ અને છેલ્લી ઘડીએ હાઈ કોર્ટ સુધી પ્રયાસ કર્યા પરંતુ તેમને મતદાનનો અધિકાર નકારવામાં આવતાં 285 વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું. ઉપરાંત ચૂંટણીપંચે શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંદેનો મત બાદબાકી કર્યો હતો. ખાસ કરીને ભાજપની આ જીતને લઈ 20 જૂને થનારી વિધાન પરિષદની ચૂંટણી પર તેની અસર થવાની શક્યતા છે.

બીજા રાઉન્ડનું ગણિત
ગોયલને 48 મત મળ્યા હતા. મત મૂલ્ય 4800 હતું. મહાડિકને જરૂરી 4058 મતની બાદબાકી કરતાં 742 મતમૂલ્ય રહે છે. તેને 48થી ભાગલા કરતાં 15.45 મત મહાડિકને મળ્યા. તેને ગોયલના 48 મતથી ગુણ્યા કરતાં મત મૂલ્ય 720 થાય છે. આ 720 અને બોંડેના 720 મત મૂલ્ય અને મહાડિકને મળેલા પ્રથમ પસંદગીનું મત મૂલ્ય 2700 મળી કુલ 4140 મત મૂલ્ય (41.40 મત) લઈને મહાડિક વિજયી થયા હતા.

હારનું ગણિત સમજવું પડશેઃ થોરાત
શિવસેનાના ઉમેદવાર સંજય પવારની હાર વિશે કોંગ્રેસના મંત્રી બાળાસાહેબ થોરાતે જણાવ્યું કે હારનું આ ગણિત સમજી લેવું પડશે. કોના મત ફૂટ્યા તે અભ્યાસ બાદ જણાવી શકીશું. ક્યાંય ભૂલ થઈ છે. અન્યથા આવું નહીં થયું હતો. જોકે આ કારણે મુખ્ય મંત્રીથી અમે નારાજ નથી. કોંગ્રેસનાં મંત્રી યશોમતી ઠાકુરે જણાવ્યું હતું કે ભાજપે વાતાવરણ ડહોળ્યું, પરંતુ અમારી મહાવિકાસ આઘાડીના ત્રણ ઉમેદવાર આસાનીથી ચૂંટાઈ આવશે એવો વિશ્વાસ હતો.

ભાજપે કઈ રીતે ખેલ કર્યો
ભાજપ પાસે 112 મત હતા, જેમાં ભાજપના 106, જનસુરાજ્ય પક્ષનો 1, મનસે 1 અને 4 અપક્ષનો સમાવેશ થતો હતો. ભાજપના પીયુષ ગોયલ અને અનિલ બોંડેને પ્રથમ પસંદગીના 48-48 મત અને ધનંજય મહાડિકને 26 મત મળ્યા હતા. આમ, કુલ 122 મત થયા હતા. ભાજપે સંખ્યાબળ કરતાં 10 મત વધુ મેળવ્યા હતા. બહુજન વિકાસ આઘાડીના 3, રાસપનો 1 અને અપક્ષના 6 મત ભાજપને મળ્યા હશે એવો અંદાજ છે. બીજા રાઉન્ડમાં 4140 મત મૂલ્ય લઈને મહાડિકે 4058નો ક્વોટા પૂરો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...