અંબરનાથના મોરીવલી ગામથી શિર્ડી સાઈબાબાના દર્શને જવા નીકળેલા ભાવિકોની બસને નાશિક - શિર્ડી હાઈવે પર સિન્નર તાલુકાના વાવી- પથારે ગામ પાસે શુક્રવારે સવારે અકસ્માત નડતાં 10 ભાવિકનાં મોત થયાં હતાં. બસ અને ટ્રક સામસામે અથડાયા હતા, બંને વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ દુર્ઘટનામાં 20 જેટલા ભાવિકો ઘાયલ થયા હતા. મૃતકોમાં સાત મહિલા, એક પુરુષ અને બે બાળકનો સમાવેશ થતો હતો.અંબરનાથથી શિર્ડી જતી ખાનગી બસ નં. એમએચ 04 એસકે 2751 અને શિર્ડીથી સિન્નર બાજુ તરફ જતો માલસામાન ટ્રક નં. એમએચ 48 ટી 1295 સામસામે અથડાયાં હતાં.
અકસ્માતમાં ઊગરી ગયેલા એક મુસાફરે જણાવ્યું કે અકસ્માત બાદ મુસાફરોની ચીસો સંભળાઈ હતી. કોઈક રડતા હતા. આખું દ્રશ્ય હૃદયદ્રાવક હતું. બસની સ્પીડ વધુ હોવાને કારણે આ અકસ્માત થયો હતો એમ પણ તેણે જણાવ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે મૃતકોનાં કપડાં અને સામાન રસ્તા પર વેરવિખેર થયેલાં જોવા મળ્યાં હતાં. મૃતકો અને ઘાયલોમાં મોટા ભાગના મુસાફરો અબંરનાથના રહેવાસી છે.
એક મુસાફર વિનોદ રાઠોડે જણાવ્યું કે રાત્રે લગભગ 12:30 વાગ્યે, અમે શિરડી સાંઈબાબાનાં દર્શન કરવા બસ દ્વારા અંબરનાથથી નીકળ્યા. બસ ચાલક ઝડપથી બસ ચલાવી રહ્યો હતો. અમે તેને ત્રણ વખત બસ ધીમી કરવા કહ્યું. તેમ છતાં તેણે અમારી વાત ન સાંભળી. પછી રસ્તામાં સવારે 3 વાગ્યે અમે ચા-નાસ્તો કરવા માટે રોકાયા.
ત્યારે પણ કેટલાક લોકોએ ડ્રાઇવરને બસ ધીમે ચલાવવાનું કહ્યું હતું. જોકે ડ્રાઈવરે બસ વધુ ઝડપે હંકારી હતી. અકસ્માત સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયો હતો. કોણ ક્યાં હતું, કોણ ક્યાં પડેલું હતું તે ખબર પડતી નહોતી. પરિસ્થિતિ એટલી ભયંકર હતી કે તે વર્ણવી નહીં શકાય.બસમાં અંબરનાથ થાણે વિસ્તારના લગભગ 50 મુસાફરો શિરડી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. 25 થી 30 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માતમાં મૃત પામેલા મુસાફરો
અકસ્માતમાં મૃત પામેલા મુસાફરોમાં પ્રમિલા પ્રકાશ થોધલી (45), વૈશાલી નરેશ ઉબાળે (32), શ્રાવણી સુહાસ બારસ્કર (30), શ્રદ્ધા સુહાસ બારસ્કર(04), નરેશ મનોહર ઉબાળે (38), બાલાજી કુષ્ણા મોહતી (25), દીક્ષા સંતોષ ગોધલી (18), આયુષ્યમાન ઉર્ફે સાઇ પ્રસાલ મેહતી (05), રોશની રાજેશ વાડેકર (30) અને એક અંદાજે 15 વર્ષની બાળકીનો સમાવેશ થતો હતો.
પત્ની - દીકરી ગુમાવ્યાં
અંબરનાથના મોરીવલી ગામના સુહાસ બારસ્કર, પત્ની અને બે પુત્રીઓ પણ એ જ બસમાં શિર્ડી જવા નીકળ્યાં હતાં. અકસ્માતમાં બારસ્કરની પત્ની શ્રદ્ધા અને તેની નાની પુત્રી શ્રાવણીનું મોત થયું હતું. સુહાસ બારસ્કર અને મોટી પુત્રી શિવાન્યા બચી ગયા છે. મોરીવલી ગામમાં મહાલક્ષ્મી પેકેજિંગ કંપનીના માલિક વર્ષોથી કર્મચારીઓ અને પરિચિતોને શિર્ડીનાં દર્શન કરવા મફતમાં લઈ જાય છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઉબાળે અને બારસકર પરિવાર પ્રથમ વખત શિર્ડીની મુલાકાતે આવ્યા હતા. આ યાત્રામાં અંબરનાથ સિવાય થાણે, ઉલ્હાસનગરના સાંઈ ભક્તો પણ હતા. ઉલ્હાસનગરથી સાંઈ દર્શન માટે નીકળેલી 15 બસમાંથી એક બસ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી.
મોદી અને શિંદે દ્વારા મદદની ઘોષણા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલો જલદી સ્વસ્થ થઈ જાય, એમ મોદીએ કહ્યું હતું. મૃતકોના પરિજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
અધિકારીઓ સાથે વાત કર્યા પછી, તેમણે અધિકારીઓને ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક શિરડી અને નાસિકની હોસ્પિટલમાં ખસેડવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો, અને ઘટના કેવી રીતે બની તે જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે.
પુત્રીના જન્મ પ્રસંગે જતો પરિવાર
અંબરનાથના ઉબાળે પરિવારની વૈશાલીને દેવદર્શન માટે શિર્ડી જવાનો પાસ મળ્યો હતો અને તેણે પતિ નરેશ સાથે સાંઈબાબાનાં દર્શન કરવા જવાનો આગ્રહ કર્યો. નરેશ ઉબાળે વાઈન શોપમાં કામ કરતો હોવાથી તેને રજા મળતી નહોતી. જોકે પરિવારના આગ્રહને લઈને તેણે રજા લઈને ગુરુવારે રાત્રે પરિવાર બસ દ્વારા નીકળ્યો હતો.
નરેશના ત્રણ મોટા ભાઈઓ છે અને તેના પરિવારના કુલ 17 સભ્યો દેવદર્શન માટે ગયા હતા, જ્યારે નરેશ, તેની પત્ની વૈશાલી, પુત્રી નિધિ અને મધુરા સાથે શિર્ડી જવા રવાના થયો હતો. વહેલી સવારે થયેલા અકસ્માતમાં નરેશ ઉબાળે અને વૈશાલી ઉબાળેનું મોત થયું હતું. 9 વર્ષની નિધિ ગંભીર રીતે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.