આદેશ:ખંડણી કેસમાં ઠાકરેએ સસ્પેન્ડ કરેલા DCPને શિંદેએ ફરીથી સેવામાં લીધા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સક્ષમ પ્રાધિકારી દ્વારા ફરીથી સેવામાં લેવા માન્યતા

ઠાકરે સરકારનો વધુ એક મોટો નિર્ણય શિંદે- ફડણવીસે સરકારે ફેરવી નાખ્યો છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ વિરુદ્ધ ખંડણીના આરોપોની તપાસ કરવામાટે એસઆઈટી નીમવામાં આવી હતી. તે સમયે આ પ્રકરણ સાથે સંબંધિત અનેક અધિકારીઓની બદલી કરાઈ તો અમુકને સસ્પેન્ડ કરાયા હતા. તેમાંથી સસ્પેન્ડેડ ડીસીપી પરાગ મણેરેને ફરીથી સેવામાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહખાતા દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

મણેરે મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ના ડીસીપી હતા. પરમવીર સાથે તે સમયે મણેરે પર પણ આરોપ થયા હતા. આથી તેમને સસ્પેન્ડ કરાયા હતા.ખંડણી અંગે બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલની ફરિયાદ અનુસાર 22 જુલાઈ, 2021ના રોજ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં પરમવીર સિંહ, અકબર પઠાણ સાથે એસીપી શ્રીકાંત શિંદે, સંજય પાટીલ, પીઆઈ આશા કોરકે, નંદકુમાર ગોપાલે, બિલ્ડર સુનીલ જૈન અને સંજય પુનમિયા પર ખંડણીના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

આ ગુનાની તપાસ માટે ડીસીપી નિમિત ગોયલની આગેવાનીમાં વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) રચવામાં આવી હતી. આ પછી આરોપ કરાયેલા બે ડીસીપી, બે એસીપી અને એક પીઆઈની બદલી આર્મ્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. તેમાં ડીસીપી મણેરેનો સમાવેશ થતો હતો, જ્યારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અકબર પઠાણ, એસીપી સંજય પાટીલ, સિદ્ધાર્થ શિંદે અને પીઆઈ આશા કોરકેની પણ આ જ વિભાગમાં બદલી કરવામાં આવી હતી. ગંભીર આરોપ થયા હોવાથી તેમને કાર્યરત રાખવા પ્રશાસકીય દ્રષ્ટિકોણથી યોગ્ય નહીં હોવાથી તેમની બદલી કરવામાં આવી રહી છે એવું આદેશમાં જણાવાયું હતું.

ગૃહવિભાગે નવા આદેશમાં શું કહ્યું છે?
મણેરે હાલમાં નાગપુરમાં સ્ટેટ એકસાઈઝમાં એડિશનલ એસપી છે. તેમની વિરુદ્ધ કલ્યાણના બજારપેઠ અને થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. તેમને સેવામાં પાછા લેવા જોઈએ એવી ભલામણ સરકારે સક્ષમ પ્રાધિકારીને કરી હતી, જેને માન્યતા અપાઈ છે. આથી મણેરે વિરુદ્ધ દાખલ ગુનાના પ્રકરણે કોર્ટના નિર્ણયને આધીન રહીને અને તેમની વિરુદ્ધની બાકી ખાતાકીય તપાસના નિર્ણયને આધીન રહીને આ આદેશ અન્વયે તે જારી થયાની તારીખથી મણેરેને ફરીથી સેવામાં લેવામાં આવે છે, એમ આદેશમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...