આગામી સુનાવણી 10 ઓગસ્ટે:આરેકોલોનીમાં શિંદે સરકાર એક પણ ઝાડ કાપી શકશે નહીં: સુપ્રીમ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેટ્રો-3 પ્રોજેક્ટના કારશેડ માટે આરેમાં વૃક્ષ તોડવાની મનાઈ કરવા માટે પર્યાવરણપ્રેમીઓની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. મેટ્રો-3 માર્ગમાં આરે કારશેડના કામ માટે આગામી સુનાવણી સુધી આરેમાં એકેય ઝાડ તોડવા નહીં એવો નિર્દેશ શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)ને આપ્યા હતા. આગામી સુનાવણી 10 ઓગસ્ટે રાખવામાં આવી છે.

રાજ્ય સરકારે આરેમાં પ્રોજેક્ટનાં કામોને આપવામાં આવેલી સ્થગિતી ઉઠાવ્યા પછી એમએમઆરસીએ મેટ્રો-3ની ટ્રેનના ડબ્બા લાવવા માટે મુશ્કેલી પડતી હોવાથી ઝાડની ડાળખીઓની છટણી શરૂ કરી હતી. આ છટણીને નામે આરેમાં ઝાડ અનધિકૃત રીતે કાપવામાં આવી રહ્યા છે એવો આરોપ પર્યાવરણ કાર્યકરોએ કર્યો હતો.

આરેમાં ઝાડ કાપવા સુપ્રીમ કોર્ટે બંધી લાદી હોવા છતાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે એવો આરોપ કરીને પર્યાવરણ પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની પર શુક્રવારે જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ સામે સુનાવણી થઈ હતી. આ સમયે કોર્ટે આગામી સુનાવણી સુધી એકેય ઝાડ નહીં કાપવાનો આદેશ આપ્યો છે.

આરે ખાતે પ્રસ્તાવિત કારશેડની જગ્યામાં એકેય ઝાડ કાપવામાં આવ્યાં નથી. અમે ફક્ત ડાળખીઓ જ કાપી છે, એવી માહિતી એમએમઆરડીએ દ્વારા કોર્ટમાં આપવામાં આવી હતી. આગામી સુનાવણી હવે 10 ઓગસ્ટે થશે. આરેમાં ઝાડ તોડવા સામે પર્યાવરણ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓનો વિરોધ છે. કાયદાના વિદ્યાર્થી ઋષભ રંજને આરે કોલોનીમાં ઝાડ તોડવા સામે બંધી લાદવા માટે ચીફ જસ્ટિસને લખેલા પત્રની સુપ્રીમ કોર્ટે 2019માં સુઓ મોટો (આપમેળે) નોંધ લીધી હતી. તે સમયે કોર્ટે અધિકારીઓને આરે કોલોનીમાં ઝાડ તોડવા માટે મનાઈ કરી હતી.

હવે પછી ઝાડ તોડવામાં નહીં આવે એમ મહારાષ્ટ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આશ્વાસન આપ્યું હતું.નોંધનીય છે કે રાજ્યમાં શિંદે- ફડણવીસ સરકાર આવતાં જ મેટ્રો-3નું કાર શેડ આરેમાં જ બનાવવાનો સૌપ્રથમ નિર્ણય લેવાયો હતો. આ સાથે તે માટેની બધી મંજૂરીઓ આપી દીધી હતી.

અગાઉ ઠાકરે સરકાર આવ્યા પછી આ કાર શેડ પર સ્થગિતી આપીને કાંજુરમાર્ગમાં કાર શેડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કાંજુરમાર્ગની જમીન પર કેન્દ્રએ દાવો કરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તે પછી સરકાર વૈકલ્પિક જગ્યા શોધતી હતી. દરમિયાન નવી સરકાર આવતાં કાર શેડ આરેમાં જ બનાવવાનું આર્થિક રીતે વ્યવહારુ છે અને કામ ઝડપથી પૂરું થઈને મેટ્રો ટ્રેન મુંબઈગરાની સેવામાં લાવી શકાશે, એવો દાવો કરવામાં આવ્યો હતો.

એમએમઆરસીનું શું કહેવું છે
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) અનુસાર મેટ્રો-3 કોચનું વહન કરતા ટ્રેલરની અવરજવર માટે ઠેકેદારા નીચે નમેલી ઝાડની ડાળખીઓ કાપી છે. મરોલ મરોસી રોડ, સરિપુટ નગર ખાતે ટ્રાયલ માટે નિર્માણ કરેલી જગ્યામાં ટ્રેલરની અવરજવર માટે અમુક જ જગ્યાએ આ છટણી કરવામાં આવી છે. આ માટે સક્ષમ પ્રશાસન પાસેથી જરૂરી પરવાનગીઓ લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...