ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી તુનિષા શર્માને તેના પ્રેમી શેહઝાન ખાનનો પરિવાર ડિપ્રેશનને બહાને ખોટી દવાઓ આપતો હતો એવો ગંભીર આરોપ બુધવારે શર્મા પરિવારના વકીલોએ કર્યો હતો. આ સાથે બંને બાજુની દલીલો પૂરી થઈ છે. હવે શુક્રવારે વસઈની કોર્ટ શેહઝાનને જામીન આપવા કે નહીં તેનો ફેંસલો કરશે.
ગત સુનાવણીમાં શેહઝાનના વકીલોએ તુનિષાને અન્ય કોઈ સાથે સંબંધો હતા એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.વસઈના કામણ રોડ પર ટીવી સિરિયલ અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલના સેટ પર વોશરૂમમાં તુનિષા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ પછી તુનિષાના માતા વનિતાની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર દાખલ કરીને બીજા જ દિવસે આત્મહત્યા માટે પ્રવૃત્તિ કરવા માટે શેહઝાનની ધરપકડ કરી હતી.
શેહઝાનને ન્યાયિક કસ્ટડી મળતાં જ તેના વકીલોએ જામીન માટે અરજી કરી છે. ગત સુનાવણીમાં તેમણે તુનિષાને અલી નામે વ્યક્તિ સાથે સંબંધ હતા અને આત્મહત્યા પૂર્વે તે અલી જોડે જ હતી એવા આરોપ કર્યા હતા. બુધવારે શર્મા પરિવારના વકીલ તરુણ શર્માએ જણાવ્યું કે શેહઝાનનો પરિવાર જયપુરથી કોઈકે લખી આપેલી દવાઓ તુનિષાનો આપતો હતો.
તુનિષા ડિપ્રેશનમાં નહોતી છતાં તે ડિપ્રેશનમાં છે એવું બતાવનતા હતા. ખરેખર તે તુનિષાને તેના પરિવારથી તેઓ દૂર કરતા હતા.હવે શેહઝાનનો પરિવાર તુનિષા અને તેના પરિવારની છબિ ખરાબ કરવા જૂઠાણું ચલાવી રહ્યા છે. શેહઝાને ડિલીટ કરેલા વ્હોટ્સએપ વિશે હજુ સાફ વાત કરી નથી. આથી તેને જામીન નહીં મળવા જોઈએ એવી વિનંતી પણ કરી હતી.
શેહઝાનને લીધે જ તુનિષા આત્મહત્યા માટે પ્રવૃત્ત થઈ હતી. તેમના પ્રેમસંબંધ હતા ત્યારે શેહઝાને અનેક બાબતમાં તુનિષાને જૂઠું કહ્યું હતું. બ્રેક-અપ પછી તુનિષા ભાંગી પડી હતી અને અંતિમ પગલું લેવા મજબૂર બની હતી. તુનિષાના ઈન્સ્ટાગ્રામ પર બધા ફોટો મળ્યા, પરંતુ શેહઝાનના ઈન્સ્ટા હેન્ડલ પર કેમ નહીં મળ્યા, કારણ કે શેહઝાન તેને પ્રેમ કરતો નહોતો.
તે તેનો ઉપયોગ કરતો હતો, એમ પણ વકીલે જણાવ્યું હતું.તુનિષાએ આત્મહત્યા પૂર્વે છેલ્લો કોલ અલી નામે વ્યક્તિને નહીં પણ પોતાની માતાને કર્યો હતો. શેહઝાનનો પરિવાર ગેરમાર્ગે દોરી રહ્યો છે. વળી, છેલ્લા કોલ વિશે તેમને કઈ રીતે જાણકારી થઈ એ પણ જોવાની વાત છે, એવી દલીલ પણ કરી હતી. હવે 13મીએ કોર્ટ શું નિર્ણય આપે છે તેની પર સૌની મીટ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.