રોગચાળો:મુંબઈમાં ઓરીથી સાતનાં મોત; મહાપાલિકા અને સરકાર એલર્ટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરની વિશેષ બેઠક, મુખ્ય મંત્રીએ પણ નોંધ લીધી

કોરોના માંડ ગયો અને ત્યાર પછી ફૂટ એન્ડ માઉથ ડિઝીઝે બાળકોને લક્ષ્ય બનાવ્યા બાદ તે પણ માંડ ઓસર્યો ત્યાં હવે ઓરીએ માથું ઊંચક્યું છે. સોમવારે નળબજારમાં એક વર્ષના બાળકના મૃત્યુ સાથે ઓક્ટોબરથી મુંબઈમાં કુલ સાત બાળકના મૃત્યુ ઓરીથી થયા છે, જ્યારે અન્ય અનેક કેસ મળી આવ્યા છે, જેને કારણે મહાપાલિકા અને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંગળવારે વિશેષ બેઠકો લઈને ઓરીનું જોર જ્યાં વધુ છે ત્યાં તપાસને ગતિ આપવા આદેશ આપ્યા હતા. બીજી બાજુ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ તેની નોંધ લીધી છે.

છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ઓરીના કેસ વધી રહ્યા છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગે આ માટે ઉપાયયોજનાઓ શરૂ કરી છે. મુંબઈમાં 0થી 2 વયવર્ષના 20,000 બાળકોએ ઓરીની પ્રથમ અથવા બીજી રસી લીધી નથી એવી માહિતી બહાર આવી છે. આ બાળકોને શોધીને તેમનું રસીકરણ કરવા હાલમાં અગ્રતા આપવામાં આવી રહી છે. વિવિધ વોર્ડમાં સર્વેક્ષણ કરીને ઓરીનાં લક્ષણ હોય તો બાળકો પર તુરંત ઉપચાર કરવામાં આવી રહ્યા છે, એમ કાર્યકારી આરોગ્ય અધિકારી મંગલા ગોમરેએ જણાવ્યું હતું.

મુંબઈમાં એમ ઈસ્ટ, એમ વેસ્ટ, એચ, એલ, પી, - જી નોર્થ, એફ નોર્થ વોર્ડમાં ઓરીના સૌથી વધુ કેસ મળી આવ્યા છે. આથી આ વોર્ડને સંવેદનશીલ ગણીને તેમાં તપાસનું જોર વધારવામાં આવ્યું છે. મુંબઈમાં જાન્યુઆરીથી 908 ઓરીના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. તેમની પર કસ્તુરબા હોસ્પિટલ, ગોવંડીની શતાબ્દિ હોસ્પિટલ, રાજાવાડી હોસ્પિટલ, શિવાજી નગર ખાતે આઈઝોલેશન વોર્ડ તૈયાર કરીને ઓરીનો ઉપચાર શરૂ કરવામાંઆવ્યો છે.કોરોનાકાળમાં અનેક બાળકોનું રસીકરણ રહી ગયું છે. કોરોના અંકુશમાં આવ્યા પછી પણ અનેક લોકોએ ઓરીની રસી લેવાનું ટાળ્યું છે.

હવે આવા લોકોને શોધીને તેમને રસી આપવામાં આવી રહી છે, એમ ગોમરેએ જણાવ્યું હતું.દરમિયાન મહાપાલિકાએ સર્વ ઉપાયયોજના તુરંત કરવી અને ચેપ નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે નિર્દેશ આપ્યા હતા. તેમણે આ અંગે કમિશનર જોડે પણ વાત કરી હતી. જે બાળકોનો ઉપચાર હોસ્પિટલોમાં ચાલી રહ્યો છે ત્યાં સર્વ જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવી, ચેપ વધુ ફેલાય નહીં તેની કાળજી લેવી એમ પણ શિંદેએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...