વિવાદ:સાવરકરે બાપુની હત્યા કરવા નથુરામને બંદૂક આપી હતીઃ તુષાર ગાંધી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિનાયક દામોદર સાવરકર અંગેના નિવેદન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વિવાદ બાદ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વીર સાવરકર વિશે ટ્વિટ કર્યું છે, જેનાથી નવો વિવાદ સર્જાય તેવી શક્યતા છે. તુષાર ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે સ્વાતંત્ર્ય સેનાની સાવરકરે અંગ્રેજોને મદદ કરવા સાથે બાપુની હત્યા માટે બંદૂક પણ આપી હતી, જેથી ફરી એક વાર ગાંધી વિરુદ્ધ સાવરકર વિવાદ વકરવાની શક્યતા છે.રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર પર અંગ્રેજોની માફી માગવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યાર બાદ હવે તુષાર ગાંધીએ ટ્વિટ કરીને આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તુષાર ગાંધીએ આરોપ લગાવ્યો છે, કે “સાવરકરે માત્ર અંગ્રેજોને જ મદદ કરી નહોતી પરંતુ બાપુને મારવા માટે નથુરામ ગોડસેને સક્ષમ બંદૂક મેળવવામાં પણ મદદ કરી હતી.” દરમિયાન તુષાર ગાંધીએ મિડિયા સાથે વાત કરતા કહ્યું છે કે “હું આરોપો નથી લગાવી રહ્યો. મેં ઈતિહાસમાં જે ઉલ્લેખ છે તે કહ્યું છે. પોલીસ એફઆઈઆર મુજબ, નથુરામ ગોડસે અને વિનાયક આપ્ટે 26, 27 જાન્યુઆરી 1948ની આસપાસ સાવરકરને મળ્યા હતા. તે દિવસ સુધી નથુરામ ગોડસે પાસે બંદૂક નહોતી. તે બંદૂકની શોધમાં આખા મુંબઈમાં ફરતો હતો. પરંતુ આ મુલાકાત પછી તે સીધો દિલ્હી અને ત્યાંથી ગ્વાલિયર ગયો. ત્યાર બાદ તેને શ્રેષ્ઠ પિસ્તોલ મળી. આ બધું બાપુની હત્યાના બે દિવસ પહેલા થયું.

અન્ય સમાચારો પણ છે...