રાજકારણ:જેલમાંથી બહાર આવ્યા પછી સંજય રાઉત નરમાયાઃ ફડણવીસના વખાણ, શિંદેને ટોણો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદી, શાહ અને ફડણવીસને ટૂંકમાં જ મળવાનો છું

મની લોન્ડરિંગ કેસમાંથી 102 દિવસ પછી જેલમાંથી છૂટેલા ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ગુરુવારે મિડિયા સાથે વાત કરી હતી. આ સમયે તેમણે રાજ્યનો કારભાર ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ ચલાવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં જ મળવાનો છું, એમ કહીને મુખ્ય મંત્રી એકનાથ શિંદેને ટોણો માર્યો હતો. ખાસ કરીને જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું વલણ આશ્ચર્યકારક રીતે નરમ જણાયું હતું. આ અંગે મનસે દ્વારા પણ રાઉતની ટીકા કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને છુટકારા પછી આજે પહેલી વાર મિડિયા સાથે સંવાદ સાધતી વખતે ઠાકરે જૂથની તોપ મનાતા રાઉતે ઈડી અથવા કોઈ પણ કેન્દ્રીય તપાસ યંત્રણા પર કોઈ ટીકા નહીં કરું એમ કહ્યું હતું. ઉપરાંત જેલમાં હતો ત્યારે ફડણવીસે અમુક સારા નિર્ણયો લીધા હતા એમ કહીને વખાણ પણ કર્યા હતા.જેલમાં રહેવાનું આસાન હોતું નથી. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વીર સાવરકર આંદામાનમાં, લોકમાન્ય તિલક મંડાલેની જેલમાં અને અટલ બિહારી વાજપેયી પણ કટોકટીના સમયમાં જેલમાં કઈ રીતે રહ્યા હશે તેનો વિચાર મેં કસ્ટડીમાં કર્યો હતો.

તેમની જેમ જ મેં પણ કસ્ટડીમાં એકાંત અનુભવ્યો. જોકે બહાર આવ્યા પછી લોકોએ, કાર્યકરોએ મને બેસુમાર પ્રેમ આપ્યો છે.હાલમાં ચાલી રહ્યું છે તે રાજકારણ દેશે ક્યારેય જોયું નથી. જોકે હું સંપૂર્ણ યંત્રણાને દોષી ઠરાવતો નથી. ફક્ત વિરોધ માટે હું વિરોધ નહીં કરું. હું જેલમાં હતો ત્યારે ફડણવીસે સારા નિર્ણય લીધા. મ્હાડાને ફરી અધિકાર બહાર કરવાનો તેમનો નિર્ણય બહુ સારો છે. અમારી જ સરકારે મ્હાડાના અધિકાર પાછા ખેંચી લીધા હતા. તેમાં અમુક ત્રુટિઓ હતી, પરંતુ ફરીથી તે અધિકાર મ્હાડાને બહાલ કર્યા તે બહુ સારું કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

કટુતા ઓછી કરવાની વાતનું સ્વાગત : ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકારણમાં કટુતા ઓછી કરવી જોઈએ. આ વક્તવ્યનું હું સ્વાગત કરું છું. મહારાષ્ટ્રમાં બધા જ નેતાઓ એકબીજા સાથે સતત મળતા હોય છે. હું પણ દેવેન્દ્ર ફડણવીસ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહને ટૂંક સમયમાં મળવાનો છું. મારા છુટકારો થવાથી દેશની ન્યાયવ્યવસ્થા પરનો વિશ્વાસ વધ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ઈડીની અરજી પર આજે સુનાવણી
દરમિયાન ઈડી દ્વારા વિશેષ કોર્ટના આદેશની પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરવામાં આવી છે, જેની પર સમયને અભાવે ગુરુવારે સુનાવણી થઈ શકી નહોતી. આથી કોર્ટે શુક્રવારે તેની પર સુનાવણી કરશે એમ જણાવ્યું હતું.

રાજકારણમાં જેલમાં જવું જ પડે
મારા છુટકારાને લીધે આખા દેશમાં સારું વાતાવરણ તૈયાર થયું છે. મારી વિરુદ્ધ કારસ્થાન રચ્યાં તેમની ખુશીમાં પણ હું સામેલ છું. ઈડી પર મારે કોઈ ટિપ્પણી કરવી નહીં. મારી કોઈની વિરુદ્ધ ફરિયાદ નથી. રાજકારણીઓને એક વાર તો જેલમાં જવું જ પડે છે. હું પણ ગયો. જોકે આ સમયમાં મારા કુટુંબે બહુ દુઃખ ભોગવવું પડ્યું.

અન્ય સમાચારો પણ છે...